Get The App

ગોધરાના ફાર્મહાઉસમાં વિદેશી દારૂનું 'ગોદામ': રૂ. 1 કરોડના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ, 13 ફરાર

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
ગોધરાના ફાર્મહાઉસમાં વિદેશી દારૂનું 'ગોદામ': રૂ. 1 કરોડના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ, 13 ફરાર 1 - image

Panchmahal News: ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)એ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ચાંચપુર ગામે મોટો દરોડો પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. SMCની ટીમે કુલ રૂ.1,44,73,320ની કિંમતનો વિદેશી દારૂ, વાહનો અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ફક્ત બે આરોપી ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી સહિત 13 લોકો ફરાર થઈ ગયા છે.

ફાર્મહાઉસ પર દરોડો, કરોડોનો દારૂ જપ્ત

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ચાંચપુર ગામે આવેલા વિપુલ પટેલના ફાર્મહાઉસ પર છાપો માર્યો હતો. પોલીસના આ દરોડા દરમિયાન ફાર્મહાઉસ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો, વાહનો, મોબાઇલ ફોન અને રોકડ મળી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 1.02 કરોડની કિંમતની કુલ 52,840 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત, રૂ. 42.50 લાખની કિંમતના 4 વાહનો, રૂ. 20 હજારની કિંમતના 4 મોબાઈલ ફોન અને રૂ. 5,200 રોકડ મળીને પોલીસે કુલ રૂ. 1,44,73,320 નો મુદામાલ જપ્ત કર્યો છે.

ગોધરાના ફાર્મહાઉસમાં વિદેશી દારૂનું 'ગોદામ': રૂ. 1 કરોડના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ, 13 ફરાર 2 - image

બે આરોપી ઝડપાયા, 13 ફરાર

આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી લલિતકુમાર ભરતભાઈ પરમાર અને એક કિશોર સહિત બે ઇસમોને ઝડપી પાડ્યા છે. જોકે, મુખ્ય આરોપી સહિત કુલ 13 જેટલા આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. ફરાર આરોપીઓમાં મુખ્ય આરોપી રમેશ ગણા વણકર ઉપરાંત પ્રવીણ ઉર્ફે અરવિંદ ભરત નાયક, પિયુષ પરમાર, જસવંત પ્રભાતસિંહ બારિયા, નિકુંજ પરમાર, તુષાર પરમાર, ત્રણ અજાણ્યા વ્યક્તિઓ, ફાર્મહાઉસનો માલિક વિપુલ પ્રવિણ પટેલ, ટ્રકનો ડ્રાઈવર અને માલિક, તેમજ ગોવામાંથી દારૂ સપ્લાય કરનાર સપ્લાયર સહિત 13 ઇસમોનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે વેજલપુર પોલીસમથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.