પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: ગુજરાતમાં ભરઉનાળે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં મંગળવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો વચ્ચે ત્રાટકેલા મિની વાવાઝોડાએ સમગ્ર પંથકમાં ભારે પાયમાલી સર્જી છે. તોફાની પવન અને ગાજવીજ સાથે આવેલા કમોસમી વરસાદે માત્ર જનજીવન અસ્તવ્યસ્ત જ નથી કર્યું, પરંતુ બે નિર્દોષ વ્યક્તિઓના જીવ પણ લીધા છે.
બે માનવી અને બે પશુઓના કરુણ મોત
મંગળવારે ત્રાટકેલા આ આકાશી આફત એટલી ભયાનક હતી કે પવનની ગતિ સામે અનેક મકાનો અને વૃક્ષો ટકી શક્યા નહીં. અત્યાર સુધીના અહેવાલો મુજબ, આ કુદરતી પ્રકોપમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત, પશુપાલકો માટે પણ આ દિવસ કાળ સાબિત થયો હતો, જેમાં બે પશુઓના પણ મોત થયા હોવાની વિગતો મળી છે. આ કરુણ ઘટનાને પગલે અસરગ્રસ્ત પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
100થી વધુ વૃક્ષો અને 20 વિજ પોલ ધરાશાયી: અંધારપટ છવાયો
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે જોતજોતામાં રસ્તાઓ પર વર્ષો જૂના વૃક્ષો ઉખડી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, તાલુકામાં 100થી વધુ વૃક્ષો અને 20 જેટલા વીજ થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. ધાંધલપુર, સુરેલી, છોગાળા અને પાનમ ડેમ વિસ્તાર સહિતના અનેક ગામોમાં છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વીજળી ગુલ થઈ ગઈ છે. વીજ વાયરો તૂટી જવાને કારણે હજારો લોકો અંધકારમાં રહેવા મજબૂર બન્યા છે. MGVCL ની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી હોવા છતાં નુકસાન એટલું વ્યાપક છે કે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલી પડી રહી છે.
મકાનો અને ખેતીવાડીને મોટું આર્થિક નુકસાન
શહેરાના તાલુકા વિકાસ અધિકારી (TDO) પાર્થ પટેલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 18 જેટલા કાચા-પાકા મકાનોને નુકસાન થયાના અહેવાલો મળ્યા છે. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ છે, તો ક્યાંક ઘરના છાપરા (પતરા) હવામાં ફંગોળાઈ ગયા છે.
ખેડૂતોની માઠી દશા
ભર ઉનાળે આવેલા આ વરસાદે જગતના તાતની ઉંઘ ઉડાવી દીધી છે. ખેતરોમાં તૈયાર થયેલી મકાઈ, ઘઉં અને બાજરીનો પાક પવનને કારણે જમીન પર ઢળી પડ્યો છે. પશુપાલકોએ સંગ્રહિત કરેલો સૂકો ઘાસચારો વરસાદમાં પલળી જતાં હવે પશુઓને શું ખવડાવવું તે પ્રશ્ન ઉભો થયો છે. મોંઘા બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક નિષ્ફળ જતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.
અસરગ્રસ્ત ગામો અને બંધ થયેલા માર્ગો
વાવાઝોડાની સૌથી વધુ અસર ધાંધલપુર, છોગાળા, સગરાડા, ખોજલવાસા, ભેંસાલ, મંગલપુર, નાડા અને સુરેલી જેવા ગામોમાં જોવા મળી છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે તાલુકાના મુખ્ય ૧૦ જેટલા માર્ગો બંધ થઈ ગયા હતા.
શહેરા-નાંદરવા માર્ગ
હોંસેલાવ-જેથરીબોર માર્ગ
ભદ્રાલા-ખટકપુર માર્ગ
ભેંસાલ-ખોજલવાસા માર્ગ
ધાંધલપુર ગામમાં જુની પંચાયતથી ચોપડાખુર્દ તરફ જવાનો માર્ગ ઝાડ અને થાંભલા પડવાથી ઠપ થઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી અને અન્ય મશીનરીની મદદથી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તંત્રની કામગીરી અને જનતાની માંગ
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરેક ગામના તલાટીઓને નુકસાની અંગેના અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તાલુકાના અલગ-અલગ ગામોમાં 18 જેટલા મકાનોને નુકસાન થયું છે. તલાટીઓ દ્વારા નુકસાનીના રિપોર્ટ તૈયાર કરી મોકલી આપવામાં આવ્યા છે.
લોકોની માગ
સ્થાનિક રહીશો અને ખેડૂતોની માંગ છે કે સરકાર આ કુદરતી આફતને ધ્યાને રાખી તાત્કાલિક આર્થિક સહાય જાહેર કરે. જેમણે પોતાના ઘર ગુમાવ્યા છે અને જે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે, તેમને વહેલી તકે વળતર મળે તે જરૂરી છે. ભર ઉનાળે આવેલા આ મિની વાવાઝોડાએ કુદરતના રૌદ્ર સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર કેટલી ઝડપે આ પાયમાલ થયેલા ગામોને ફરી ધબકતા કરે છે.








