પંચમહાલ જિલ્લામાં 6 દિવસથી અવિરત વરસાદ, ગોધરા-શહેરામાં બે ઇંચથી વધુ ખાબક્યો, 28 ગામોને એલર્ટ કરાયા
Gujarat Monsoon : પંચમહાલ જિલ્લામાં છેલ્લા છ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં આજે પણ વરસાદ યથાવત રહ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં શહેરા, ગોધરા અને મોરવા હડફ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કાલોલ તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. આ વરસાદથી પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ
ગોધરા: 59 મી.મી. (બે ઈંચથી વધુ)
શહેરા: 55 મી.મી. (બે ઈંચથી વધુ)
મોરવા હડફ: 54 મી.મી. (બે ઈંચથી વધુ)
જાંબુઘોડા: 19 મી.મી.
ઘોઘંબા: 16 મી.મી.
હાલોલ: 14 મી.મી.
કાલોલ: 08 મી.મી.
પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, નદીકાંઠાના 28 ગામોને એલર્ટ કરાયા
શહેરા તાલુકામાં સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પાણીની ભારે આવકને કારણે પાનમ ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
પાનમ ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે, જ્યારે હાલની સપાટી 127.20 મીટરે પહોંચી છે. ડેમમાં 13348 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની સતત આવક અને રૂલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા ખોલીને 14058 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.
પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નદીકાંઠાના શહેરા, લુણાવાડા, સંતરામપુર અને ખાનપુર તાલુકાના 28 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. આ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા સૂચના આપવામાં આવી છે. આ વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ
પંચમહાલ જિલ્લામાં છેલ્લા છ દિવસથી પડી રહેલા ધમાકેદાર વરસાદને કારણે શહેરા-ગોધરા હાઇવે પર આવેલી પશુ દવાખાનાની સામેના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. સ્થાનિક લોકોની લાંબા સમયથી માંગ છે કે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે.
હાઇવે પર પાણી ભરાવાને કારણે લોકોને પોતાના વાહનો લઈને પસાર થવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી શકે.