Panchmahal News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે, ત્યારે પંચમહાલના શહેરામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. શહેરા નગરપાલિકાના પ્રભાવશાળી અપક્ષ સભ્ય અજીત શેખ આજે પોતાના 1000થી વધુ મુસ્લિમ સમર્થકો અને કાર્યકરો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.
ધારાસભ્યએ કરાવ્યો કેસરિયો પ્રવેશ
શહેરાના ચાંદલગઢ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે અજીત શેખને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.

ડીજેના તાલે વાજતે-ગાજતે શક્તિપ્રદર્શન
અજીતશેખ માત્ર એકલા જ નહીં, પરંતુ એક મોટા શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ડીજેના તાલે, વાજતે-ગાજતે પોતાના સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ચાંદલગઢ પહોંચ્યા હતા. આ ઘટનાને શહેરાના રાજકારણમાં મુસ્લિમ મતોના ધ્રુવીકરણ તરીકે જોવામાં આવી રહી છે.
કોણ છે અજીત શેખ?
અજીત શેખ શહેરાના સ્થાનિક રાજકારણમાં જાણીતું નામ છે. તેઓ શહેરામાં ગ્રામ પંચાયત વખતે બે વાર સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2021ની નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.

કોંગ્રેસના ગઢમાં ગાબડું
અજીતશેખ અગાઉ કોંગ્રેસના સમર્થનથી ચૂંટાયા હોવાથી, તેમનું ભાજપમાં જવું એ કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવે છે. આગામી ચૂંટણીઓ પહેલા ભાજપે મુસ્લિમ સમાજના આટલા મોટા જૂથને પોતાની સાથે જોડીને શહેરા નગરપાલિકા પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.


