પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બાહી ગામના વતની 29 વર્ષીય વિરપાલસિંહ ઠાકોરનું મંડપ બાંધતી વખતે કરંટ લાગતાં કરૂણ મોત થયું છે. તે ગોધરા તાલુકાના સાપા રોડ પર આવેલી ગોવિંદી ગાયત્રી નગર-3 સોસાયટીમાં મંડપ બાંધવાની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી.
માથાના ભાગે વીજ તાર અડકી ગયો
ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ જ્યાં તે મંડપ બાંધવાની કામગીરી કરી રહ્યો હતો, ત્યાંથી જ એક જીવંત વાયર પસાર થઈ રહ્યો હતો જે માથાના ભાગે અડી જતા વિરપાલસિંહ નીચે પટકાયો હતો. અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સાથી કામદારોએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવાર અને ગામ શોકમગ્ન
ઘરના મોભી સમાન આશાસ્પદ યુવાનનું વીજ કરંટ લાગવાને કારણે અચાનક મોત થતાં બાહી ગામ અને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને યુવાનના મોત મામલે અકસ્માતે ગુનો નોંધી, જરૂરી કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








