Gujarat

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા બી-ડીવીઝન પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પરથી 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ

Panchmahal News:
પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા બી-ડીવીઝન પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પરથી 82 કટ્ટા શંકાસ્પદ ચોખા ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીને પગલે અનાજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા બી-ડીવીઝન પોલીસને શંકાસ્પદ અનાજની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા-અમદાવાદ રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન શંકાસ્પદ ટેમ્પાને અટકાવી તલાશી લેવામાં આવી હતી. ટેમ્પામાંથી 82 કટ્ટા ચોખાનો જથ્થો મળી આવતા પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી હતી.

પોલીસે તાત્કાલિક આ મામલે પુરવઠા વિભાગને જાણ કરી હતી. પુરવઠા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોખાના જથ્થા તેમજ ટેમ્પાને કબ્જે લીધો હતો. પુરવઠા વિભાગ દ્વારા ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોખાનો જથ્થો ખરેખર સરકારી છે કે કેમ અને જો સરકારી છે તો તે ક્યાંથી લવાયો અને ક્યાં લઈ જવાતો હતો, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાતા જિલ્લાના અનાજ માફીયાઓમાં ગભરાટ ફેલાયો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ મામલે 'રવિ' નામના અનાજ માફીયાનું નામ મોખરે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર લંબાવ્યો છે.