Panchmahal Gas Leak: ઘોઘંબા તાલુકાના રણજીત નગરમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) માં આજે બપોરે રેફ્રિજરેશન ગેસ બનાવતા પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય 12 કામદારોને ગેસ ગળતરની અસર થઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ લીકેજ રેફ્રિજરેશન ગેસ બનાવવાના પ્લાન્ટમાં થયો હતો. કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ 15 મિનિટમાં લીકેજને બંધ કરી દીધો હતો અને પ્લાન્ટને શટડાઉન કરવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનામાં કંપની કમ્પાઉન્ડમાં આવેલા મંદિરના પૂજારી ગંભીર રીતે પ્રભાવિત થતા તેમનું મોત થયું હતું. આ ઉપરાંત, અન્ય 12 કામદારોની તબિયત બગડી હતી. તમામને તાત્કાલિક કંપનીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને હાલોલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૌ પ્રથમ, ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, લીકેજના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવામાં આવશે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.


