Panchmahal Farmer Natural Farming: આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરો અને દવાઓના આડેધડ ઉપયોગથી જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે અને ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના એક ખેડૂતે નવી રાહ ચીંધી છે. ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકીએ 'ગાય આધારિત પ્રાકૃતિક ખેતી' અપનાવીને ન માત્ર જમીનની ફળદ્રુપતા વધારી છે, પરંતુ ખર્ચ ઘટાડી આર્થિક રીતે સદ્ધરતા પણ મેળવી છે.
કેવી રીતે થઈ શરૂઆત?
ખેડૂત નરેન્દ્રસિંહ સોલંકી છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અગાઉ તે રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં ખાતર અને મોંઘી જંતુનાશક દવાઓ પાછળ મોટો ખર્ચ થતો હતો. રાસાયણિક ખેતીથી જમીન સખત થઈ જતી હતી અને ટ્રેક્ટરથી ખેડ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિથી કંટાળીને તેમણે 'આત્મા પ્રોજેક્ટ' હેઠળ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી અને ગાય આધારિત ખેતી તરફ વળ્યા.
ઘરઆંગણે તૈયાર કરે છે કુદરતી રસાયણો
દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર સાથે વિવિધ પદાર્થો અને વનસ્પતિ ભેગી કરી નરેન્દ્રસિંહ સોલંકી જીવામૃત, બીજમૃત અને ઘનામૃત જેવા કુદરતી રસાયણો બનાવી ખેતીમાં મબલક ઉત્પાદન અને નફો મેળવી રહ્યાં છે. આ પ્રાકૃતિક ખેતીથી ઘણાં ફાયદા થયા છે, જેમકે જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. જમીનને પોષક તત્ત્વો ખૂબ સારા મળે છે. ખેતી ઉત્પાદન મળે છે તે સામાન્ય કરતા વધુ અને ગુણવત્તા યુક્ત મળે છે. ઓછા એટલે કે નજીવા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે જેથી આર્થીક સદ્ધરતા વધે છે.
ખેડૂત નરેન્દ્રસિંહ દ્વારા પોતાના ખેતરોમાં પ્રાકૃતિક કૃષિ હેઠળ ઘઉં, મકાઈ, બાજરી, ટામેટા, મરચી, હળદર, બીટ, ચણા, મેથી, પાલક, રીંગણ, ડુંગળી, સહિતની અલગ અલગ જાતની શાકભાજી અને પશુઓ માટે ઘાસચારાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં ધીમેધીમે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રાકૃતિક કૃષિ માટેની યોજનાઓ વિષે પણ માહિતી મેળવી સંબંધિત આત્મા પ્રોજેક્ટ હેઠળ સાધન સહાય પછી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા
•ખર્ચમાં ઘટાડો: બિયારણ અને ખાતરનો ખર્ચ શૂન્ય થયો.
•જમીનમાં સુધારો: અળસિયાનું પ્રમાણ વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની છે.
•ગુણવત્તાયુક્ત ઉત્પાદન: રાસાયણિક મુક્ત પાક મળવાથી બજારમાં સારી માંગ રહે છે.
•આર્થિક સદ્ધરતા: ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન મળવાથી નફામાં મોટો વધારો થયો છે.
અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત
વલ્લવપુર ગામના ખેડૂત નરેન્દ્રસિંહ માત્ર પોતે જ નહીં, પરંતુ આજુબાજુના ગામના અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને 'આત્મા પ્રોજેક્ટ'ની સાધન સહાયનો લાભ લઈને તેઓ આજે એક સફળ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાસાયણિક ખેતી જમીન અને સ્વાસ્થ્ય બંને બગાડે છે. ગાય આધારિત ખેતી કરવાથી જમીનનું પોષણ જળવાય છે અને ખેડૂત દેવામાંથી મુક્ત થાય છે.


