પંચમહાલ જિલ્લામાં જળાશયો છલકાયા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન
Panchmahal News: પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ થતાં ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 2.40 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને, કડાણા ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પાનમ ડેમમાંથી પણ 50 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં મહીસાગર નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે.
ખેતરોમાં પાકને ભારે નુકસાન
ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તમાકુ, ડાંગર, મકાઈ, શાકભાજી અને ઘાસચારાના પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખેડૂતોની આ વર્ષની મહેનત પાણીમાં ગઈ છે અને તેઓને આર્થિક ફટકો પડ્યો છે.
નદીકાંઠાના ગામોને એલર્ટ
કડાણા અને પાનમ જળાશયમાંથી પાણી છોડવાને કારણે નદીકાંઠાના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા ખાનપુર તાલુકાના 16, લુણાવાડાના 63, કડાણાના 27, ગોધરાના 6 અને શહેરાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. શહેરા તાલુકાના મહીસાગર નદીના કિનારે આવેલા બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી, સાદરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
ડેમની વર્તમાન સ્થિતિ
હાલ કડાણા ડેમમાંનું જળ સ્તર 414.10 ફૂટ છે અને કુલ ક્ષમતા 419 ફૂટ છે. ડેમમાં 2.40 લાખ ક્યુસેક પાણી આવક થઇ રહી છે. જ્યારે કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વધતા જળસ્તરનો સદુપયોગ કરીને કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાંથી 2.40 લાખ ક્યુસેક પાણી છોડીને ચાર યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે.