પંચમહાલના ધનેશ્વર ગામમાં કરુણાંતિકા સર્જાઇ, તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત
Panchmahal News : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે, જેમાં તળાવમાં ડૂબી જવાથી એક 12 વર્ષના કિશોરનું મોત થયું છે. આ દુર્ઘટના બાદ સમગ્ર ગામ અને મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનેશ્વર ગામના તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી.
લાંબા સમયની શોધખોળ બાદ ફાયર ફાઈટરની ટીમે કિશોરના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છે.