દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મેદાન ગજવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Inspirational Story : શારીરિક ખામી કે અકસ્માત જીવનની ગતિને ત્યારે જ રોકી શકે જ્યારે માનવી મનથી હારી જાય, પરંતુ જો મનમાં મક્કમ મનોબળ હોય તો કોઈ પણ અવરોધ નડતો નથી. આ વાતને સાર્થક કરી બતાવી છે પંચમહાલ જિલ્લાના ત્રણ જાંબાઝ યુવાનોએ. ગોધરા ખાતે યોજાયેલા ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025’માં માત્ર એક હાથ વડે ક્રિકેટ રમીને આ યુવાનોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તાજેતરમાં અસ્થિ વિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના ત્રણ યુવાનો નટવરસિંહ પટેલ (ગામ-સાંપા), પ્રકાશકુમાર સોલંકી (ગામ-હમીરપુરા પીંગડી) અને રમેશભાઈ પટેલે(ગામ-ઝેરા છારીયા) ઉત્સાહભેર ભાગ લીધો હતો.
એક હાથે અદ્ભુત કરતબ
નટવરસિંહ અને પ્રકાશકુમારે અકસ્માતમાં પોતાના હાથ ગુમાવ્યા છે, જ્યારે રમેશભાઈ શારીરિક ખામી ધરાવે છે. છતાં, ક્રિકેટના મેદાનમાં ઉતરેલા આ ત્રણેય યુવાનોએ સાબિત કર્યું કે તેમનો એક હાથ જ તેમનું સૌથી મોટું શસ્ત્ર છે. બોલિંગ હોય કે બેટિંગ, તેઓ એક હાથે એટલી સહજતાથી રમે છે કે સામાન્ય વ્યક્તિ પણ જોઈને દંગ રહી જાય.
આ યુવાનો માત્ર સ્થાનિક કક્ષાએ જ નહીં, પરંતુ શહેરોમાં આકર્ષણ પણ જમાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેઓ અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં યોજાતી દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં પણ નિયમિતપણે ભાગ લે છે અને પોતાના કૌવતથી દર્શકોના દિલ જીતી લે છે.
ખેલ મહાકુંભમાં તેમના જોશ અને ખેલદિલી જોઈને અન્ય સ્પર્ધકો અને હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. તેમની આ સંઘર્ષયાત્રા સાબિત કરે છે કે જીવનમાં પરિસ્થિતિ ભલે ગમે તેટલી વિકટ હોય, પણ જો 'રમવાની' અને 'જીતવાની' જીદ હોય તો સફળતા અવશ્ય મળે છે.









