પંચમહાલમાં ગામની વસતી કરતાં વધુ લગ્નોની નોંધણીનું કૌભાંડ, નાની યુવતીઓને ભગાડવાનો કારસો!
Panchmahal News: ગુજરાતમાં નાની વયની યુવતીઓને ભગાડી જવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. 18 વર્ષની ઉંમર થઇ હોય તેવી યુવતીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. આવા ગંભીર મુદ્દાને લઇને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને મળી એવી રજૂઆત કરી કે, ગુજરાતમાં લગ્ન નોંધણીનું ય કૌભાડ ચાલી રહ્યુ છે. પંચમહાલ જિલ્લામાં એક ગામમાં ગામની વસ્તી કરતાં ય લગ્ન નોંધણી વઘુ થઇ છે. આ કેવી રીતે શક્ય બને.
તલાટી શંકાના ઘેરામાં, પૈસા આપોને લગ્ન નોંધણી કરાવો
ગુજરાતમાં ઘણીવાર એવું બની રહ્યું છે કે દીકરી 18 વર્ષની થતાની સાથે જ થોડા દિવસો કે મહિનામાં તેને કોઈ ભગાડી જાય છે, જે બધાય સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. તે વાતનો ઉલ્લેખ કરતાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી કે, આજે મોટા ભાગના સમાજમાં દીકરીના લગ્ન 21-22 વર્ષની ઉંમર પછી જ કરવામાં આવે છે. લોકજાગૃતિને લીધે 18 વર્ષની ઉંમરે દીકરીઓના લગ્ન કરાવાતા નથી. પરંતુ સરકારના નિયમોમાં કોઈ પ્રગતિ થઈ નથી.
હાલની સ્થિતિને જોતાં સરકારે દીકરીઓની લગ્નની કાનૂની ઉંમર 21 વર્ષ સુધી વધારવી જોઈએ. સાથે સાથે દીકરીના રહેઠાણના પુરાવા પ્રમાણે તે જ ગામમાં જ લગ્નની નોંધણી થાય એવો નિયમ-કાયદો ઘડવો જરૂરી છે. રાજ્યમાં લગ્ન નોધણી કૌભાડ ચાલી રહ્યું છે તેવો આક્ષેપ કરતાં એવી ય રજૂઆત કરવામાં આવીકે, અનેક ગામડામાં શંકાસ્પદ લગ્ન નોધણી થઈ રહી છે. જેમકે, સાબરકાંઠાની દીકરીને ફસાવી લઇ જવાઇ ત્યારે અમરેલીમાં એક તલાટીએ પૈસા લઈ લગ્નની નોંધણી કરાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છેકે, એક તલાટીએ તો 1800 જેટલી લગ્નની નોંધણી કરી છે. પંચમહાલના એક ગામમાં ગામની કુલ વસ્તી કરતાં વધુ લગ્ન નોંધાયા છે આમ, લગ્ન નોધણીનું કૌભાંડ ચાલી રહ્યુ છે.
નાની વયની દીકરીઓને ભગાડીને લઈ જવાનું એક ખૌફનાક ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે કડક કાયદાકીય પગલાં લેવાની જરૂર છે. દીકરીઓને ફસાવવા માટે કોઈ માફિયાઓ કામ કરી રહ્યું હોય તેવી આશંકાછે કેમ કે, 18 વર્ષની ઉંમર થાય કે તરત જ એક બે દિવસમાં કે એક જ મહિનામાં યુવતીને કોઇ ભગાડી જાય છે. તે લોકોને પૈસા પણ આપવામાં આવે છે, સંરક્ષણ પણ આપે છે અને બીજા કોઈ દૂરના ગામડાંમાં લઈ જઈને તેમના લગ્ન નોંધણી કરાવી દેવામાં આવે છે. આ આખાય કૌભાંડમાં તલાટી શંકાના ઘેરામાં રહ્યાં છે.