પંચેશ્વર મહાદેવ : પર્યાવરણ જાગૃતિ સાથે મહાદેવની અનોખી આરાધના, પ્રસાદમાં તુલસી અને બિલીના છોડનું વિતરણ
20 વર્ષથી ચાલતી પરંપરા, શ્રાવણ માસમાં દરરોજ 200થી વધુ શ્રદ્ધાળુઓ વિનામૂલ્યે રોપા લઈ જાય છે
અમદાવાદ,
નાના ચિલોડા સર્કલથી હિંમતનગર તરફ જવાના હાઈવે પર 45 વર્ષ જૂનું પંચેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મંદિરમાં ભોળાનાથ,ગણેશ ભગવાન સહિત પાંચ ઈશ્વર બિરાજતા હોવાથી પંચેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયમાં 20 વર્ષથી ભક્તોને તુલસી અને બિલીપત્રના છોડ પ્રસાદમાં આપવામાં આવે છે. દાનપેટી અને દાન બન્ને આ મંદિરમાં વર્જિત હોવાની બાબત પંચેશ્વર મહાદેવને અન્ય ધાર્મિક સ્થળોથી જુદી પાડે છે.
પર્યાવરણ અને ભક્તિનો અનોખો સમન્વય
દરરોજ આશરે 200 તેમજ શનિ, રવિ તથા સોમવારે 500 શ્રદ્ધાળુઓ દર્શન કરી છોડવા ઘરે લઈ જાય છે. તેઓ ઘરઆંગણે તથા બાલકનીમાં તેમને વાવતા હોવાથી પર્યાવરણ અને ભક્તિનો અનોખો સમન્વય સધાય છે. આજકાલ શહેરોમાં ઘર પાસે બિલીપત્રના વૃક્ષ વાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી લોકો તુલસીના છોડ લેવાનું વધુ પસંદ કરે છે. અગાઉ શિવરાત્રિમાં મંદિરની બહાર મેળો ભરાતો હતો, પરંતુ નજીકની ખાલી જગ્યામાં રોડ બની જતા મેળાની પ્રથા બંધ થઈ ગઈ છે.
સવાર- સાંજ ભોળાનાથની આરતી કરતા આદિવાસી અને મુસ્લિમ સેવક
નાત-જાત તથા ધર્મનો ભેદ રાખ્યા વગર ૨૨ વર્ષોથી સવાર- સાંજ આદિવાસી બળવંતભાઈ શિવ ભગવાનની આરતી તથા સેવા પૂજા કરે છે. ઉપરાંત તેઓ હાજર ન હોય ત્યારે ત્યાં જમાદાર તરીકે ફરજ બજાવતા છાલા ગામના મુસ્લિમભાઈ પણ સ્વેચ્છાએ ભોળાનાથની આરતી કરે છે. શિવાલયમાં આવતા સહુ કોઈ માત્ર માનવ ધર્મના તાંતણે બંધાયેલા છે.