પાલિતાણા : બે કલાકની મેરેથોન બેઠક અનિર્ણિત, ડોળી કામદારોની હડતાલ જારી
- પાડાના વાંકે પખાલીને ડામ, આજની છ'ગાઉ યાત્રામાં અશક્ત યાત્રિકો હેરાન થશે
- તંત્રએ એક દિવસ હડતાલ સ્થગિત રાખવા કહ્યું, યુનિયને પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાલ શરૂ રાખવા મક્કમતા દાખવી
જૈન મહાતીર્થ પાલિતાણામાં પવિત્ર શેત્રુંજય પર્વતની યાત્રા-દર્શનાર્થે આવતા અશક્ત, વૃદ્ધો, બીમાર યાત્રિકો માટે શેત્રુંજય તળેટીથી ડોળીની સુવિધા ઉપલબ્ધ છે. ડોળીના સહારે ઘણાં યાત્રિકો યાત્રા કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડોળી કામદારોને હેરાન-પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની સમસ્યા ઉદ્દભવતા ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સિટી, પાલિતાણાની આગેવાનીમાં ડોળી કામદારો ગત રવિવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. આ હડતાલના આજે ત્રીજા દિવસે ડેપ્યુટી કલેક્ટર, ડિવાયએસપી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓએ ડોળી કામદાર એસો.ના આગેવાનો સાથે બેઠક યોજી હડતાલ સમેટાઈ તેવા પ્રયાસો કર્યો હતા. સાંજે ૫-૩૦ કલાકે શરૂ થયેલી બેઠક સાંજે ૭-૩૦ કલાક આસપાસ સુધી ચાલી હતી. જેમાં સરકારી અધિકારીઓ અને પેઢીના પ્રતિનિધિઓએ આવતીકાલ એક દિવસ માટે હડતાલ મોકૂફ રાખવા પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારે યુનિયનના આગેવાનો અસામાજિક તત્ત્વોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાની વાત પર અડગ રહ્યા હતા. જેના કારણે આશરે દોઢથી બે કલાક જેટલી ચાલેલી બેઠકમાં હડતાલ પૂરી કરવાનું કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતા ડોળી લેબર યુનિયને હડતાલને આગળ શરૂ રાખવાનો નિર્ણય લીધો હોવાનું યુનિયનના પ્રમુખે વાતચીતમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, આજે કચ્છી સમાજ દ્વારા છ'ગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં ડોળી બંધ હોવાના કારણે કેટલાક યાત્રિકોને મુશ્કેલી વેઠવી પડી હતી. હવે આવતીકાલે ફાગણ સુદ-૧૩ના રોજ પરંપરાગત રીતે છ'ગાઉની યાત્રા થશે. તેમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રિકો પાલિતાણા પહોંચશે અને જે યાત્રિકો પગપાળા છ'ગાઉની યાત્રા કરી નથી શકતા તેઓ હડતાલના પગલે હેરાન થશે.