પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

- કૂવે પાણી ભરવા ગયેલી યુવતીને ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો
- દંડની રકમમાંથી ભોગ બનનારને વળતર પેટે સવા લાખ ચૂકવવા કોર્ટનો હુકમ
પાલિતાણાના આદપર રોડ, ચુનાની ભઠ્ઠી ખાતે રહેતો દિનેશ ઓઘાભાઈ વાઘેલા (ઉ.વ.૨૭) નામના શખ્સે વર્ષ ૨૦૨૦માં બપોરના સમયે એક યુવતી વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં પીવાનું પાણી ભરવા ગઈ હતી. ત્યારે તેણીને પકડી પછાડી દઈ ધમકી આપી દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે ગત તા.૨-૭-૨૦૨૦માં પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી. સેશન્સ જજ એચ.એસ. દેવની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી.એમ. પરમારની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી આરોપી દિનેશ વાઘેલાને આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની કેદની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ, આઈપીસીની કલમ ૫૦૬ (ર) મુજબ બે વર્ષની સજા, પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી ભોગબનનારને રૂા.૧,૨૫,૦૦૦ વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે.









