પાલિતાણા : અખાત્રીજના જૈન મેળામાં તમાકુ, પ્લાસ્ટિકની ચીજવસ્તુના વેચાણ ઉપર પ્રતિબંધ
- આજથી બે દિવસ માટે કેટલાક રસ્તાઓ એક માર્ગીય જાહેર કરાયા
- છેલ્લા ચકલાથી જય તળેટી સુધીના જાહેર રોડની બન્ને સાઈડમાં નો પાર્કિંગ ઝોન
પાલિતાણા તળેટી, ગીરીરાજ ડુંગર સહિતના વિસ્તારમાં આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તા.૨૯-૪ અને તા.૩૦-૪ના રોજ અખાત્રીજના જૈન મેળાનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ દર્શનાર્થે આવવાના હોય, આ વિસ્તારોમાં ગેરકાયદે રીતે પાન-મસાલા, ગુટકા, તમાકુ, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટિકની કોથળીઓ, પાઉચ, બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે બન્ને દિવસ આવી ચીજવસ્તુઓના વેચાણ ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ તા.૨૯-૪ અને તા.૩૦-૪ના રોજ છેલ્લા ચકલાથી જય તળેટી સુધીના જાહેર રોડની બન્ને સાઈડમાં નો પાર્કિંગ ઝોન અને જૈન મેળાના અનુસંધાને એક માર્ગીય રસ્તો જાહેર કરાતા ભાવનગરથી પાલિતાણા, ગારિયાધાર, ઘેટી, આદપુર તરફ જતાં ભારે વાહનોને ભાવનગર રોડ, રેલવે ક્રોસિંગથી જમીણ બાજુ જતાં બાયપાસ રોડ, સરદારનગર ચોકડી, ગારિયાધાર રોડ, ત્રણ રસ્તા, સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલપંપ, માનસિંહજી હોસ્પિટલ, છેલ્લા ચકલા, પાલિતાણા હાઈસ્કૂલ પાકિંગ મેદાન, અરીસા ભુવન, સાદડી ભુવન ધર્મશાળા થઈ ભીલવાડા, વણકરવાસ, લાવારીસ એસ.ટી. સ્ટેન્ડ, બ્રીજ ઉપરથી થઈને બહાર જવાનું રહેશે. પાલિતાણા હાઈસ્કૂલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પરત આવી નહીં શકે કે પાર્ક નહીં કરી શકાય તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું જારી કરી જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાપાત્ર કાર્યવાહી થશે તેમ જણાવ્યું છે.