પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત
Road Accident Near Palitana : ભાવનગરના પાલીતાણાથી હસ્તગિરી જતા રોડ પર પીપરડી ગામ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો છે. પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે 8થી વધુ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
અકસ્માત બાદ મહિલાઓની ચીસાચીસથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરાવી છે.