Get The App

23 કરોડનું ટ્રાન્ઝેક્શન, રૂ.3 કરોડ રોકડા ઝડપાયા... અમદાવાદમાં ઝડપાઈ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કરતી ગેંગ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
23 કરોડનું ટ્રાન્ઝેક્શન, રૂ.3 કરોડ રોકડા ઝડપાયા... અમદાવાદમાં ઝડપાઈ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કરતી ગેંગ 1 - image


Ahmedabad News: અમદાવાદના પાલડીમાં રહેતા એક વ્યક્તિના મોબાઇલને હેક કરીને તેના ગુગલ-પેમાંથી 25 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કેસની તપાસમાં પાલડી પોલીસને ઓનલાઇન ચિટીંગના કરોડો રૂપિયાની હેરફેરની ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં ત્રીજા લેવલ સુધીના નાણાંકીય વ્યવહાર અંગેની તપાસ બાદ છ શખ્સોને ઝડપીને તેમની પાસેથી 3.16 કરોડની રોકડ જપ્ત કરી હતી. જે ઓનલાઇન છેતરપિંડીની રકમ હતી. આ કેસની તપાસમાં 23.23 કરોડના આર્થિક વ્યવહારની ચોંકાવનારી માહિતી પણ પોલીસને મળી છે.

પાલડીમાં રહેતા ઉર્વીશભાઇ ભારદ્વાજના મોબાઇલ ફોનને હેક કરીને બેક ઓફ બરોડામાં ઓટીપી વિના જ ગુગલ પે દ્વારા ત્રણ અલગ અલગ વ્યવહાર કરીને ઓનલાઇન છેતરપિડી આચરવામાં આવી હતી. આ કેસમાં છેતરપિંડીની રકમ નાની હતી. પરંતુ, કેસને ગંભીરતાથી લઇને પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર.પરવાડાએ તપાસ શરૂ કરાવી હતી. જેમાં 25 હજાર રૂપિયા ક્યા ક્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા? તે વિગતો મેળવવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ નાણાં ત્રણ અલગ-અલગ લેયરમાં ટ્રાન્સફર થયા હતા અને ત્રીજા લેયરના નાણા ડ્રાઇવ-ઇન રોડ બ્રાંચની યુનિયન બેંકના બે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટમાંથી સેલ્ફના ચેક લખીને નિયમિત રીતે લાખો રૂપિયાની રકમ ઉપાડવામાં આવતી હતી. જેથી પોલીસે બેંક નાણાં ઉપાડવા આવતા છ વ્યક્તિઓની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી કુલ 3.16 કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત, 15 મોબાઇલ ફોન અને નવ ચેક બુક મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે છેતરપિડીના નાણાં સેલ્ફના ચેકથી ઉપાડીને આંગડિયા પેઢીથી હવાલા મારફતે વિવિધ શહેરોમાં મોકલીને તેને ક્રિપ્ટો કરન્સીની બ્લોક ચેઇનમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. પોલીસે તપાસ કરેલી સેકન્ડ લેયર નાણાં યશ બેંકમાં ટ્રાન્સફર થયા હતા. જ્યારે ત્રીજા લેયરના નાણાં યુનિયન બેંકમાં જતા હતા. જેમાં કુલ 23.23 કરોડના નાણાંની હેરફેર થઇ હતી. જ્યારે સાયબર ફ્રોડની ફરિયાદની રકમના નાણાં 9.27 કરોડ હતા. પોલીસે આ અંગે છ આરોપીઓની સઘન પુછપરછ કરવાની સાથે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

પોલીસે ક્યા ક્યા આરોપીઓની ધરપકડ કરી?

  1. આરીફખાન મકરાણી, રહે.ધાબરનગર સોસાયટી,શાહીબાગ, અમદાવાદ
  2. અશ્વિન પટેલ, રહે. જુનાપુરા ગામ, જિ. મહેસાણા
  3. સ્મીત ચાવડા, રહે. કોઠીવાળી ચાલી પાસે,કલોલ ગાંધીનગર
  4. રાકેશ પ્રજાપતિ, રહે. પખાલીની પોળ,રાયપુર દરવાજા, આસ્ટોડીયા
  5. જગદીશ પટેલ, રહે. ઇટાદરા, તા. માણસા, જિ. ગાંધીનગર
  6. જસ્મીન ખંભાયતા, રહે.સેટેલાઇટ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ

આરોપીઓને રોકડ ઉપાડવાના બદલામાં કમિશન મળતુ હતુ

પાલડીના નાના ગુનામાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે તેમને કોઇ વ્યક્તિ દ્વારા ચેક બુક આવી દેવામાં આવી હતી અને આ બેંક એકાઉન્ટ કોના નામે હતા? તે અંગે તેમની પાસે ચોક્કસ માહિતી નહોતી. પણ, તેમને ફોન આવે ત્યારે તે બેંકમાં જઇને સેલ્ફનો ચેક લખીને નાણાં ઉપાડીને સુચના મુજબ આંગડીયાને આપતા હતા. જેના બદલામાં તેમને કમિશન મળતુ હતું. અત્યાર સુધી આરોપીઓ ખુબ મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર કરી ચુક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

મોટાભાગની બેંકો સસ્પેક્ટ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ આરબીઆઇને કરતી નથી 

બેંકો દ્વારા એકાઉન્ટ ખોલવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા યોગ્ય વેરિફિકેશન કરવામાં આવતુ નથી. જેને લઇને નવા ખોલાયેલ બેંક એકાઉન્ટોમાં લાખો કરોડો રૂપિયાના ઠગાઇના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. ત્યારે કોઇ પણ બેંક એકાઉન્ટમાં અચાનક મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થાય તો જે-તે બેંક સત્તાધીશે ખાતાધારકને બોલાવી આટલા રૂપિયા ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા તે અંગે પૂછવાનું હોય છે. તેમજ આરબીઆઇને સસ્પેક્ટ ટ્રાન્ઝેક્શન રિપોર્ટની જાણ કરવાની હોય છે. પરંતુ મોટાભાગની બેંક દ્વારા આવી જાણ કરવામાં આવતી નથી.

Tags :