બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઇવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ટકરાતાં એકનું મોત, છ લોકો ઈજાગ્રસ્ત

Palanpur–Deesa Highway Accident: બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઇવે પર શનિવારે (22મી નવેમ્બર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાલનપુરના બદરપુરા પાટિયા નજીક ઈકો કારનું ટાયર ફાટતાં કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
તાત્કાલિક બચાવ કામગીરી અને પોલીસ તપાસ
મળતી માહિતી અનુસાર, આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

