Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની ગોઝારી ઘટનામા પાલનપુરના બે વિદ્યાથીઓનો ચમત્કારિક બચાવ થયો છે. મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પાલનપુરના વિદ્યાર્થી દ્રીજેશ મોરે આંખો દેખી આપવીતી વર્ણવી હતી. દ્રીજેશે જણાવ્યું હતું કે 'જમીને જેવા હાથ ધોવા માટે ઉભા થયા હતા. અડધે પહોંચ્યાં ત્યાં તો મેસના બિલ્ડિંગ પર પ્લેન ખાબકતા પ્રચંડ અવાજ આવ્યો હતો.
પ્લેન ક્રેશ થયું ત્યારે અમે અંદર હતા ત્યાં ધુમાડો, ડસ્ટ અને પાર્ટીકલ અંદર ઘૂસી જતાં શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને દેખાવાનું બંધ થયું હતું. જોકે પ્લેન બિલ્ડિંગના બહાર જવાના દરવાજા ઉપર જ ખાબક્યું હોવાથી એક્ઝિટ ગેટ પર છતના પોપડા પડતાં હતા. જો અમે તરત બહાર નીકળ્યાં હોત તો જીવ જોખમમાં મુકાયા હોત.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં
પાલનપુરની સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં રહેતા મૂળ વાસણ (જગાણા) ગામના ભૂપેન્દ્રભાઇ મોરનો પુત્ર દ્રીજેશ અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં તેના મિત્ર પ્રથમ જુંડાલ સાથે એમ.બી.બી.એસ.ના પ્રથમ અભ્યાસ કરે છે. આ બંને મિત્રો 12 જૂનના બપોરે બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલી મેસમાં નિત્યક્રમ મુજબ ભોજન કરવા માટે ગયા હતા. જમીને તેઓ સાથે થાળી મુકવાના સ્થળે ગયા હતા. ત્યારે બ્લાસ્ટ થતાં કાળા ડિબાંગ ધુમાડાના કારણે અંધારા પટ છવાય ગયો હતો.
ભૂકંપ આવ્યો હોય અથવા હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિને લઈ એર સ્ટ્રાઈક થઈ હોવાનો અમને અહેસાસ થયો હતો. ભારે ડસ્ટના લીધે શ્વાસ લેવામા તકલીફ પડવા લાગી હતી અને અંધારામાં બહાર નીકળવું જોખમ ભર્યું લાગતા બે મિનિટ ત્યાં ઊભા રહ્યા. ત્યારબાદ માંડ માંડ અમે બહાર નીકળ્યા હતા. બહાર લોકો બૂમરાડ અને નાસભાગ કરતા અને બિલ્ડિંગની છત ઉપર ક્રેશ થયેલું પ્લેન પડ્યું હતું. આ જોઇને અમને ભગવાને બચાવી લીધા હોવાની અનુભૂતિ થઇ.


