પાકિસ્તાની પ્રેમી યુગલ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા મારફત ભારતમાં ઘૂસ્યું

વાગડના રતનપર સીમમાંથી ઝડપાયેલું : ઘેટા બકરા ચરાવતો પ્રેમી સરહદથી વાકેફ હતો : પ્રેમી યુગલનું ગામ લસરી ભારતની સરહદથી માંડ 2 કિ.મી.ના અંતરે છે
ભુજ, : કચ્છના વાગડ વિસ્તારના રતનપર ગામ નજીક બુધવારે સવારે પાકિસ્તાની પ્રેમી યુગલ ઝડપાયું હતું. આ પાકિસ્તાની પ્રેમી યુગલ પાકિસ્તાનથી ભારતમાં કેવી રીતે પ્રવેશ્યો તે જાણવા પોલીસ અને સ્થાનિક એજન્સીઓએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભારત - પાક સરહદે તૂટેલા નાળામાંથી બંને પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ભારતની સરહદમાં ઘુસી આવ્યા હતા. આજે પોલીસે પ્રેમી યુગલને સાથે લઈને જયાંથી ભારતમાં પ્રવેશ કર્યો તે વિસ્તારની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાનના થર પારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના શિવ મંદિર પાસે રહેતા તોતો ઉર્ફે તારા તેમજ પ્રેમિકા મીના ઉર્ફે પુજા ગત રોજ રતનપર ગામ પાસે જંગલ વિસ્તારમાંથી પકડાયા હતા. જેના પગલે ખડીર પોલીસ, એસઓજી સહિતની સ્થાનિક એજન્સીઓએ પ્રાથમિક પુછપરછ હાથ ધરી છે.
પાકિસ્તાની પ્રેમી યુગલ ભારતમાં કઈ રીતે પ્રવેશ મેળવ્યો તે અંગે પ્રેમી યુગલની પુછતાછ કરાઈ હતી. જેના પગલે પાકિસ્તાની પ્રેમી યુગલ ભારતીય સરહદમાં પ્રવેશ મેળવ્યો તે સ્થળે આજે તપાસનીસ એજન્સી પ્રેમી યુગલને સાથે લઈને ગઈ હતી.
પ્રેમિકા સાથે રહેવું અશક્ય હોય અને સમાજ સ્વીકારશે નહીં જેથી પ્રેમીએ પ્રેમિકા સાથે મળીને ભારતમાં પ્રવેશવાનું નક્કી કર્યું હતું. પ્રેમી ઘેટા બકરા ચરાવતો હોઈ સરહદી વિસ્તારમાં તૂટેલા નાળા અંગે તેની જાણ હતી. તેથી, બંને જણા તૂટેલા નાળામાંથી પ્રવેશીને ભારતમાં ઘુસ્યા હતા. બાદમાં રણ અને જંગલ વિસ્તારમાંથી વાગડના રતનપર સીમમાં પહોંચ્યા હતા. આજે બંનેને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જવાયા હતા. પ્રેમી યુગલનું ગામ લસરી ભારતની સરહદે નજીકમાં આવેલું છે. ત્યાંથી માંડ બે કિ.મી.ના અંતરે છે.
આવતીકાલે પ્રેમી યુગલનું તબીબી પરીક્ષણ કરાશે. આ બનાવમાં કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી. પરંતુ જો, આ રીતે પ્રેમી યુગલ ભારતમાં ઘુસી શકે છે તો પાકિસ્તાની ઘુસણખોરો ન ઘુસી શકે તેની શું ખાતરી?