પાકિસ્તાનથી કચ્છમાં ઘૂસી આવેલો સગીર ઝડપાયો, પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી માહિતી
Gujarat ATS News: ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ઘૂસણખોરી વધી રહી છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારેથી અને કચ્છમાંથી અવાર-નવાર પાકિસ્તાની નાગરિકો ઘૂસણખોરી કરતા ઝડપાતા હોય છે. ત્યારે ગુજરાત એટીએસે બાતમીના આધારે પાકિસ્તાનથી કચ્છમાં ઘૂસેલા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી લીધી હતી.
આજે બપોરે બાર વાગ્યાના અરસામાં સંવેદનશીલ સરહદી ધરમશાળા વિસ્તારમાં શંકાસ્પદ યુવક ફરતો હોવાની માહિતી મળતાં રાજ્ય સરકારની ગુપ્તચર એજન્સીના કર્મચારીઓએ દોડી જઈને તેને ઝડપી લીધો હતો. મળતી માહિતી અનુસાર, આ પાકિસ્તાની નાગરિકનું નામ લવ સરુપ દેવા ભીલ હોવાનું જણાવ્યું છે. તે પોતે 17 વર્ષનો હોવાનો દાવો કરી રહ્યો છે. તે પાકિસ્તાનના થરપારકરના મીઠી જિલ્લાના ડિપ્લો તાલુકાના ડેરમો ગામનો વતની હોવાનું સામે આવ્યું છે. આરોપીના આતંકવાદી કનેક્શનને લઇ ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ સંદિગ્ધ ગતિવિધિ સામે આવી નથી.
ઘરે ઝઘડો થતા નીકળી ગયો હતો
યુવક ચરવાહો છે, બકરીઓ ચરાવે છે. કોઈ કારણસર ઘરમાં ઝઘડો થતાં તે ઘરેથી નીકળી ગયો હતો. રણમાં આખી રાત ચાલી તે ખાવડા પાસેના ધરમશાળા વિસ્તારામાં ફરતો હતો ત્યારે શંકાના આધારે તેને ઝડપી પડાયો હતો. સ્ટેટ અને લોકલ ઈન્ટેલીજન્સ બ્યુરોને બાતમી મળી હતી, ત્યારબાદ તેને ઝડપીને ખાવડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી છે.
યુવક પાસેથી પાકિસ્તાની ચલણી નોટ મળી આવી
યુવક પાસેથી પાકિસ્તાન ચલણની 50 રૂપિયાની નોટ, દિવાસળીની પેટી મળી છે. આ સિવાય તેની પાસેથી સિમકાર્ડ વગરનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. હાલ શંકાસ્પદ કંઈ નથી મળ્યું. યુવક સગીર છે કે કેમ તેની તપાસ માટે તેનો પોલીસ તેનો મેડિકલ ટેસ્ટ કરાવશે.