Get The App

કચ્છમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ બનાવાયા, આદિપુર-અબડાસાના ધ્રૂફી ગામમાં ડ્રોન તોડી પાડ્યા

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ બનાવાયા, આદિપુર-અબડાસાના ધ્રૂફી ગામમાં ડ્રોન તોડી પાડ્યા 1 - image


Pakistan Drone Attacks in Kutch: ‘ઓપરેશન સિંદુર’ પછી ઘેરા બની રહેલા તનાવની અસર કચ્છ સરહદે જોવા મળી રહી છે. પાકિસ્તાને નાપાક હરકતો શરુ કરીને કચ્છ સરહદ ઉપર ડ્રોન હુમલા શરુ કર્યા છે. આદિપુર તથા અબડાસાના ધ્રૂફી ગામમાં ડ્રોન તોડી પડાયું છે. લોકોને ધરમાં રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. હુમલા અગાઉ જાસુસી માટે ગુરુવારે રાત્રે પણ કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોન ઉડાડ્યા હતા. જો કે, સતર્ક એવી ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાનને બે ડ્રોન પરત લઈ જવાની ફરજ પડી હતી. પાકિસ્તાનની હરકતથી સતર્ક ભારતીય વાયુ સેનાના સર્વેલન્સ વિમાનોથી કચ્છનું આકાશ ગાજતું રહ્યું હતું. 

પોલીસ દ્વારા સઘન વાહનચેકિંગ, પ્રજાજનોએ પૂર્વ ખરીદી આરંભી

બીજી તરફ, પ્રજાજનો અને સેના તથા તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસે સઘન વાહન ચેકીંગ શરુ કર્યું છે. બીજા દિવસે અંધારપટ અને ઉચાટ વચ્ચે કચ્છના નાગરિકો નાપાક હરકતો સામે સતર્ક છે.

સુરક્ષા એજન્સીઓ વધુ સર્તક બની

કચ્છ સરહદે ખાવડા નજીક કોટડા ગામ પાસે ગત રોજ ગુરુવારે વહેલી પરોઢે પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યાની ઘટનાની પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સર્તક બની છે તે વચ્ચે શુક્રવારે કચ્છ સરહદે ફરીથી પાક. દ્વારા ડ્રોન વડે હુમલાનો પ્રયાસ થયો હતો. પાક.ના ત્રણ ડ્રોનને તોડી પડાયા હતા જયારે બે ડ્રોન પરત ફર્યા હતા. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે શુક્રવારે ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. જોકે, કચ્છ સરહદે ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરનાર ત્રણ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા જયારે બે ડ્રોન પરત ફર્યા હતા. ગુજરાત સરહદે પાકિસ્તાન દ્વારા હુમલાની આશંકાએ કચ્છમાં પણ હાઇ ઍલર્ટ છે.  

આ પણ વાંચો: ગુજરાતમાં યુનિવર્સિટી-કોલેજોની પરીક્ષા રદ કે મોકૂફ રખાઈ નથી, વાઈરલ પરિપત્ર ફેક

ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ

કચ્છ-બનાસકાંઠા અને પાટણને જોડતી સરહદી રેન્જમાં પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ વધારી દેવાયું છે. તો બીજીતરફ બ્લેક આઉટ જારી છે. કચ્છમાં પણ કોટેશ્વર, માતાના મઢ સહિતના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભુજ-નલિયા ઍરફોર્સ સહિતના મહત્ત્વપૂર્ણ સ્થળોએ પણ સુરક્ષા એજન્સીઓનું ઘ્યાન કેન્દ્રિત છે. શુક્રવારે સવારથી સરહદી જિલ્લાના તમામ વિસ્તારોમાં જન જીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. જો કે, શુક્રવારે રાત્રે 9-30 વાગ્યાથી ફરી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છના રહીશો જાગૃતિ દાખવીને રાતભર જાગી રહ્યા છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરી રહ્યા છે.

હાઇઍલર્ટ જાહેર થતાં પશ્ચિમ કચ્છ પોલીસ દળ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોની હદના શહેર અને તાલુકાના ગામડાઓમાં 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાઇવે માર્ગો પર પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ તેમજ સરહદી વિસ્તારમાં થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 

કચ્છ પરથી સેનાના જહાજોએ ઉડાન ભરી

સમગ્ર કચ્છમાં ગુરુવારે પછી શુક્રવારે રાત્રે પણ બ્લેકઆઉટ અમલી બનાવાયું હતું. હજુ બે દિવસ આવી જ પરિસ્થિતિ રહેશે તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે સવારથી જ કચ્છ પરથી સેનાના જહાજોએ ઉડાન ભરી હતી. જેના અવાજથી લોકોમાં ભય સાથે કચ્છ સરહદે કંઈક મોટું થઈ રહ્યું છે અથવા થવા જઈ રહ્યું છે તેવો અંદાજ પણ લગાવવામાં આવ્યો હતો. સવારથી સાંજ સુધી કચ્છના આકાશમાં સતત જહાજોની અવરજવર રહી હતી. ભારતીય સેના પર ભરોસો રાખી સરકારી આદેશોનો પાલન કરવા પણ લોકોએ તત્પરતા દાખવી હતી. 

હૉસ્પિટલમાં આગોતરી તૈયારીઓ

તણાવભરી સ્થિતિમાં તૈયારીરૂપે જિલ્લામાં 750 બેડની જી. કે. જનરલ હૉસ્પિટલમાં 150 બેડ સરહદ સલામતી દળ અને સૈન્ય માટે અનામતની જોગવાઈ કરાયેલી છે. દરમિયાન પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા જામનગરની સરકારી જી. જી. સિવિલ હૉસ્પિટલમાં આગોતરી તૈયારીઓ કરાઈ છે. હૉસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. ડૉક્ટર અને સપોર્ટીંગ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. પાક હુમલો કરે એવી સંભાવનાઓ વચ્ચે પોરબંદર, જામનગર અને કચ્છમાં પણ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. બનાસકાંઠામાં 15 એમ્બ્યુલન્સો મોકલાઈ છે.

રોજબરોજની વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધ્યું

કચ્છમાં અંધારપટ્ટના પગલે બેટરી, મીણબત્તી, બાકસ, અનાજ, ચોખા, કઠોળ સહિતની રોજબરોજની વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. એ જ રીતે કચ્છમાં મોટા ભાગે શાકભાજી અમદાવાદ, રાજકોટ, ઉાર ગુજરાત તરફથી આવતી હોવાથી ટ્રાન્સપોર્ટેશનને અસર થાય તો તેવા સંજોગોમાં પહોંચી વળવા ડુંગળી, બટેટા, ટમેટા, મરચાં જેવા શાકભાજીની ખરીદીનો ઉપાડ વધતો નજરે પડી રહ્યો છે. 

ગુજરાતના 7 ઍરપોર્ટ હજુ બંધ રહેશે

ભુજ, રાજકોટ-હિરાસર, પોરબંદર, કંડલા, મુન્દ્રા, જામનગર, કેશોદ એમ ગુજરાતના 7 એરપોર્ટ આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી મુસાફરો માટે બંધ રહેશે. અગાઉ 10 મે સુધી જ આ ઍરપોર્ટ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 

Tags :