દેશભરમાં બહિષ્કાર, ગુજરાતમાં આવકાર : પાક. સમર્થક તૂર્કિયે સાથે સરકારનું વ્યાપારિક ઇલુ ઇલુ
Gujarat Turkey Relation: ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ વખતે પાકિસ્તાનનું સમર્થન કરનારા તૂર્કિયેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રાવેલ્સ એજન્ટથી માંડીને ચેમ્બર ઑફ કોમર્સ, યુનિવર્સિટીઓએ તૂર્કિયે સાથે સંબંધો તોડી નાખ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સમર્થક તૂર્કિયે સાથે ગુજરાત સરકારના વ્યાપારિક સંબંધો બરકરાર રાખ્યા છે. એટલું જ નહીં, પાટનગર ગાંધીનગરમાં ઇન્ડેક્સ્ટ-બીએ તો તૂર્કિયે માટે ખાસ હેલ્પ ડેસ્ક ઊભું કર્યું છે. તૂર્કિયેની કંપનીઓ માટે લાલજાજમ પાથરી છે. આમ, ગુજરાત સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છે.
ઍરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી તુર્કિઝ કંપની સેલેબી સાથે પાર્ટનરશીપ રદ
ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે તૂર્કિયેએ ડ્રોન સહિત અન્ય હથિયાર પાકિસ્તાનને આપીને પાકિસ્તાનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. આ જોતાં તૂર્કિયેને પાઠ ભણાવવાનું નક્કી કરાયું છે. ઍરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતી તૂર્કિયેની કંપની સેલેબી સાથે પાર્ટનરશીપ રદ કરી દેવાઈ છે.
ગુજરાતમાં કચ્છ-મોરબીના વેપારીઓએ પણ તૂર્કિયે સાથે વેપારીક સબંધો તોડ્યા
જેએનયુ અને આઇઆઇટી-મુંબઈએ તૂર્કિયે યુનિવસિર્ટી સાથેના શૈક્ષણિક કરાર રદ કર્યા છે. તેમજ ટ્રાવેલ્સ એજન્ટએ તૂર્કિયેના ટુર પેકેજોનું બુકિંગ કેન્સલ કરી દીધું છે. ગુજરાતમાં કચ્છ-મોરબીના વેપારીઓએ પણ તૂર્કિયે સાથે વેપારીક સબંધો તોડી નાખ્યા છે.
ગુજરાતમાં તૂર્કિયે કંપનીઓનું મોટું રોકાણ
આ તરફ, ગુજરાત સરકારનું તૂર્કિયે કંપનીઓ તરફનો વ્યાપારિક મેળજોળ યથાવત્ રહ્યો છે. ગુજરાતમાં તૂર્કિયે કંપનીઓનું પણ મોટું રોકાણ હોવાનું જાણવા મળ્યું છે જેમકે, સાણંદ નજીક એક તૂર્કિયેની કંપની ભારતીય કંપની સાથે રહીને હોમ એપ્લાયન્સીસ તૈયાર કરી રહી છે. આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે અગ્રેસર ગણાતી એક તૂર્કિયેની કંપની હાલ ગુજરાતમાં સરકારી-ખાનગી પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહી છે.
ઈકેસ્ટ-બીએ તુર્કી માટે ખાસ હેલ્પ ડેસ્ક તૈયાર
સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અંડર ગ્રાઉન્ડ ટનલ તૂર્કિયેની કંપની બનાવી રહી છે. ખુદ ઉદ્યોગ વિભાગે જ જાહેર કર્યુ છે કે, ગુજરાતમાં તૂર્કિયેની કંપનીનું રોકાણ છે. આ ઉપરાંત તૂર્કિયેની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવું હોય તો રાજ્ય સરકાર જમીનથી માંડીને સબસિડી આપવા પણ તૈયાર છે. આ માટે ઈકેસ્ટ-બીએ તુર્કી માટે ખાસ હેલ્પ ડેસ્ક તૈયાર કર્યુ છે.
તૂર્કિયે સાથે વેપાર અંગે ગુજરાત સરકારની બેવડું વલણ
તૂર્કિયેનો ચારેકોર ભરપૂર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે એક હરફ ઉચ્ચારવાનું ટાળ્યું છે. એટલું જ નહીં, સરકારને ગળે બરોબરનું હાડકું ભરાયું છે. હવે લોકો સવાલ કરી રહ્યા છે કે, ગુજરાત સરકાર તૂર્કિયે સાથેના રાજકીય-વ્યાપારિક સંબંધો ક્યારે તોડશે? આમ, ગુજરાત સરકારનું બેવડું વલણ ખુલ્લું પડ્યું છે.
એક તુર્કિઝ કંપનીને હસ્તગત કરવા ગોઠવણ પાડવામાં આવી
તૂર્કિયેનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં મેટ્રો રેલથી માંડીને અન્ય પ્રોજેક્ટ તૂર્કિયેની કંપની પાસે છે. આ જોતાં ગુજરાત સરકારની સ્થિતિ 'માં મને કોઠીમાં કાઢ' તેવી થઈ છે. દરમિયાન એવી ચર્ચાએ જોર પકડ્યું છે. પાકિસ્તાનની પંગતમાં બેઠેલાં તુર્કિર્યે વિરુદ્ધ દેશની જનતામાં ભારે આક્રોશ ભભક્યો છે ત્યારે ભારતમાં કાર્યરત એક તૂર્કિયે કંપનીને હસ્તગત કરવા ગોઠવણ પાડવામાં આવી છે. તૂર્કિયેની કંપનીને હસ્તગત કરી સરકારના માનીતા-મળતિયાને પધરાવી દેવા આયોજન કરાયું છે.