Gujarat

પાકિસ્તાને 1965 નાં યુદ્ધમાં જગતમંદિરને નિશાન બનાવીને 156 બોમ્બ ફેંક્યા'તા !

By GS TEAM
3 Sep 20252 mins read
પાકિસ્તાને 1965 નાં યુદ્ધમાં જગતમંદિરને નિશાન બનાવીને 156 બોમ્બ ફેંક્યા'તા !

આજે ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં વામનજી સ્વરૂપ ધારણ કરશે : નાપાક ઈરાદાથી દ્વારકાધીશનાં મંદિર ધ્વંસ્ત કરવા પ્રયાસ કર્યો, પણ એક કાંકરી'ય ખરી નહોતી : એટલે આજે વિશેષ પુજન-અર્ચન થશે 

દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં આજથી 61 વર્ષ પહેલા પાકિસ્તાને ભાદરવા સુદ બારસનાં વામન જયંતિના દિવસે મેલી મુરાદથી દ્વારકાના જગતમંદિરને નિશાન બનાવીને ધ્વસ્ત કરવા માટે રાત્રિના સમયે 156 બોમ્બ ફેંક્યા હતા. પરંતું એકપણ બોમ્બ ટાર્ગેટ પર લાગ્યો નહીં, મોટાભાગના ફૂટયા જ નહીં એટલે જગતમંદિરની એક કાંકરી પણ ખરી નહોતી અને સમગ્ર દ્વારકાનગરીને ઉની આંચ આવી નહોતી. એ વખતથી શ્રી દ્વારકાધીશ ભગવાનનો આભાર માનવા આ દિવસને 'વિરાટ વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે તા. 4 ને ગુરૂવારે વામન જયંતિ નિમિતે શ્રી દ્વારકાધીશ ભગવાનની ખાસ વિશેષ પૂજા થશે. આ ઉપરાંત જગત મંદિરમાં દશાવતારમાં પાંચમા અવતાર એવા વામનજીનું સ્વરૂપ ભગવાન દ્વારકાધીશ ધારણ કરશે.

ઇ.સ. 1965માં યુધ્ધ સમયે પાકિસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી ભીષણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો. જેમાં 156 જેટલા બોમ્બ ફેકવામાં આવ્યા, પણ જગત મંદિર તેમજ દ્વારકાનગરીનો આબાદ બચાવ થયો હતો. એ દિવસ વામનજયંતી હતો. એક પૌરાણિક કથા અનુસાર વામન ભગવાને રાજા બલીનો અહંકાર ભાંગ્યો હતો, તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે આ જ દિવસે પાકિસ્તાનનો અહંકાર ભાંગ્યો હતો. આજની તારીખે પણ બોમ્બમારાના અવશેષો દ્વારકા સંસ્કૃત એકેડેમીના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યા છે. 

એ પરંપરાનેઅનુસરીને આવતીકાલે તા. 4ના રોજ જગતમંદિરે વામન દ્વાદ્શ  ઉત્સવ ઉજવવામાં આવશે. જેમાં શ્રીજીની મંગલા આરતી સવારે 6-3- કલાકે થશે. અનૌસર દર્શન બંધ 10-30 થી 12-00 વાગ્યા સુધી રહેશે. શ્રીજીની વિશેષ વામન ઉત્સવ આરતી બપોરે 12 કલાકે થશે. ત્યારબાદ બપોરે 1-30  વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે 5-00 વાગ્યા સુધી મંદિર અનૌસર બંધ રહેશે. શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુંજબ રહેશે. 1965ની સાલથી જ સમસ્ત ગુગ્ગળી બ્રહ્મસમાજ દ્વારા વામન દ્વાદ્શી ઉત્સવના દિવસે ભગવાન દ્વારકાધીશને નુતન ધ્વજા આરોહરણ કરવામાં આવે છે. આ સાથે બ્રાહ્મણો દ્વારા વિષ્ણું સહસ્નાત્રનામના પાઠ કરવામાં આવે છે.