સિંધુ ભવન રોડ પરની હોટલ તાજ સ્કાયને ઉડાવી દેવાની ધમકી મળી
કોલ પાકિસ્તાનના કોડ ધરાવતા ફોનથી આવ્યાનું ખુલ્યુ
પોલીસ, બીડીએસ અને ડોગ સક્વોડ દ્વારા સમગ્ર હોટલમાં તપાસ કરાતા વાંધાજનક ચીજવસ્તુઓ ન મળી
અમદાવાદ,શનિવાર
સિંધુભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયમાં કોઇ અજાણી વ્યક્તિએ કોલ કરીને હોટલમાં પાંચ મિનિટમાં બોંબ ફુટશે તેવો કોલ કરીને ધમકી આપતા પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી. જો કે સમગ્ર હોટલમાં તપાસ દરમિયાન કોઇ વાંધાનજનક ચીજવસ્તુઓ ન મળતા પોલીસે રાહત અનુભવી હતી. બીજી તરફ સરખેજ પોલીેસે આ અંગે મોબાઇલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કોલ પાકિસ્તાનના કોડથી આવ્યાનું બહાર આવ્યું છે.
સિંધુ ભવન રોડ પર આવેલી તાજ સ્કાય હોટલ શુક્રવારે રાતના અગીયાર વાગે એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનાર વ્યક્તિએ કોલ કર્યો હતો કે હોટલ ખાલી કર દો બોમ્બથી ઉડાવી દઇશું. પાંચ મિનિટમાં બોંમ્બ ફટને વાલા હે.. આ મેસેજ મળતા હોટલમા સ્ટાફે તાત્કાલિક સિક્યોરીટી ઇન્ચાર્જને તેમજ પોલીસને જાણ કરી હતી.
ત્યારબાદ પોલીસ, બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતના સ્ટાફ દ્વારા હોટલના લોબી , રિસેપ્શન એરિયા, રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પુલ, જીમ તેમજ અન્ય ભાગમાં તપાસ કરવામાં આવી હતી. જો કે બે થી ત્રણ કલાકના ચેકિંગ બાદ પણ વાંધાનજક ચીજવસ્તુઓ ન મળતા પોલીેસે રાહત અનુભવી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું આ કોલ પાકિસ્તાનના કોડ ૦૦૯૨ ધરાવતા નંબર આવ્યો હતો. જેથી કોઇએ પાકિસ્તાનથી આ કોલ કર્યાની શક્યતા પોલીસે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે સરખેજ પોલીસે ટેકનીકલ એનાલીસીસને આધારે વધુ તપાસ હાથ ધરી છે.