પદુભાએ ગેરકાયદે રીતે ત્રણ દુકાનો ચણી ડ્રાઈવરના પિતાને માલિક બનાવી દિધો
- ખોટા દસ્તાવેજોથી મિલકત પચાવી પાડતાં પદુભા થોરડી-ગલકું આણી મંડળી સામે વધુ એક ફરિયાદ
- કાળિયાબીડમાં આવેલી ઈલોરા માર્કેટની અગાશીમાં બનેલી ત્રણ દુકાનમાં વિદ્યુત જોડાણ મેળવવા ગલકુંએ મદદગારી કરી : માલિક પાસે સમાધાન માટે બળજબરીથી રૂા. પાંચ લાખ માંગ્યા
ભાવનગર : ખોટા દસ્તાવેજો બનાવી મિલકત પચાવી પાડનાર પદુભા અને ગલકું આણી મંડળી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.જેમાં કુખ્યાત પદુભા થોરડીએ કાળિયાબીડની એક બિલ્ડીંગ અગાશીમાં ગેરકાયદે રીતે ત્રણ દુકાન ચણી તેના માલિકી હક્કના ખોટા દસ્તાવેજો તેના ડ્રાઈવરના પિતાના નામે કરાવી ખોટી રીતે વિદ્યુત જોડાણ મેળવવા ગલકુંની મદદગારી લીધી હતી. જયારે, માલિક પાસે સમાધાન પેટે બળજબરીથી રૂા.પાંચ લાખ માંગી મિલકત પચાવી પાડવાનું કાવતરૂં રચ્યાની ફરિયાદ થતાં પોલીસે ગુનો ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
શહેરના કાળિયાબીડ,મેલડી માતાજીના મંદિરનજીક રહેતાં હેમાંગીબેન બિરજુભાઈ ભટ્ટે કાળીયાબીડમાં વારાહી બુક સ્ટોલ સામેની ઈલોરા માર્કેટ બિલ્ડિંગમાં આવેલી તેમની માલિકીની દુકાન નં.૯થી ૧૫ જર્જરિત થતા વર્ષ-૨૦૨૩માં રિનોવેશન માટે પદુભા અજુભા ગોહિલ ઉર્ફે પદુભા થોરડીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.રિનોવેશન બાદ પદુભાએ માલિકની મંજૂરી વગર અગાશી ઉપર ત્રણ દુકાન ચણી નાંખી હતી તેની માલિકી તેના ડ્રાઈવર ગોપાલના પિતા અને વર્ષ-૨૦૧૩માં મરણ ગયેલાં અરજણ શામજીભાઈ મકવાણાના નામે રૂ.૧૦ના સ્ટેમ્પ પેપર ઉપર માલિકી ટ્રાન્સફર દસ્તાવેજ બનાવી તેને માલિક બનાવી દિધા હતા.આ પણ અધુરૂં હોય તેમ આ દુકાનોમાં કોમશયલ વિદ્યુત જોડાણ મેળવવા ખોટું કારાનામું બનાવી તેમાં સાક્ષી તરીકે મહાવીરસિંહ કનુભા ગોહિલ ઉર્ફે ગલકુંએ સહી કરી હતી.તો, ગોપાલ અરજણભાઈ મકવાણાએ રૂા.૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર વર્ષ-૨૦૨૩માં નોટરી દસ્તાવેજ મારફતે વારસદાર કરારનામું ઊભું કરી ખોટા દસ્તાવેજો બનાવી જગ્યાનો ગેરકાયદેસર કબજો મેળવી લીધો હતો. આ જગ્યા અંગે હેમાંગીબેને સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતાં કોર્ટ કમિશન દ્વારા જગ્યાનું પંચનામું કરવાનું હતું તે દિવસે પદુભા ગોહિલે કારમાં આવી જગ્યાની માલિકી તેમના ડ્રાઇવરના પિતાની હોવાનું જણાવી 'જગ્યાનો કબ્જો જોઈતો હોય તો સમાધાનના પાંચ લાખ રૂપિયા થાય' તેવી માંગણી કરી હતી અને જગ્યાનો ગેરકાયદેસર કબજો યથાવત રાખ્યો હતો. દરમિયાનમાં ગત મોડીરાત્રે હેમાંગીબેન બીરજુભાઈ ભટ્ટે પદુભા અજુભા ગોહિલ, ગોપાલ અર્જુનભાઈ મકવાણા અને મહાવીરસિંહ કનુભા ગોહિલ(રહે.તમામ ભાવનગર) વિરૂદ્ધ ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી મિલકત પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો મેળવી સમાધાન માટે બળજબરીથી રૂા. પાંચ લાખની માંગણી કર્યાની નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બન્ને કુખ્યાત શખ્સનો જેલમાંથી કબ્જો મેળવાશે : પીઆઈ
પદુભા થોરડી અને ગલકું આણી મંડળી સામે ખોટા દસ્તાવેજોના આધારે મિલકત પચાવી પાડવાના કાવતરાંની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હાલ ત્રણ પૈકી પદુભા અને ગલકું બન્ને ખોટા દસ્તાવેજોના આધારે મિલકત પચાવી પાડવાના નોંધાયેલાં ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહ્યા છે. જેમનો ટ્રાન્સફર વેરંટ દ્વારા જેલમાંથી કબ્જો મેળવવા જયારે, પદુભાના ડ્રાઈવરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું નિલમબાગ પીઆઈ ઝાલાએ જણાવ્યું હતું.
ગલકું વિરૂદ્ધ 7, પદુભા વિરૂદ્ધ 6 ગુના નોંધાયા
ગોહિલવાડ પંથકમાં ખોટા દસ્તાવેજોના આધારે મિલકત પચાવી પાડવાના અને કાવતરૂં રચવા સહિતના અલગ-અલગ ગુનામાં કુખ્યાત બનેલી પદુભા થોરડી અને ગલકું આણી મંડળી સામે માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં સાત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગલકું વિરૂદ્ધ શહેરના વાધાવાડી રોડ સ્થિત વાઘ બંગલો, વરતેજ, બોટાદ, ઘોઘા, માધવ દર્શન,બોરતળાવ અને આજે નોંધાયેલી કાળિયાબીડ સહિતની સાત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જયારે, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને બાદ કરતાં અન્ય છ ફરિયાદમાં પણ પદુભા થોરડીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે.