Get The App

તારાપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો પ્રારંભ

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
તારાપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો પ્રારંભ 1 - image

- આણંદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 

- એક મણના રૂા. 500 થી 600 ભાવ ઉપજ્યા  પ્રથમ દિવસે જ 100 થી વધુ ટ્રેક્ટરની આવક

તારાપુર : તારાપુર માર્કેટ યાર્ડ ખાતે લાભ પાંચમના શુભ મુહૂર્તે ડાંગરની ખરીદીનો શુભારંભ કરાયો હતો. કમોસમી વરસાદની આગાહી અને સારા ભાવની આશા વચ્ચે ૧૦૦થી વધુ ટ્રેક્ટરો ભરીને ખેડૂતો ડાંગર વેચવા એપીએમસી પહોંચ્યા હતા. એપીએમસી ખાતે વિવિધ જાતની ડાંગરના મણના ભાવ રૂા. ૫૦૦થી ૬૦૦ના સોદા થતા વેચવા આવેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તારાપુર એપીએમસીમાં શરૂઆતમાં જ ડાંગરના સારા ભાવ પડતા, ખેડૂતોને આગામી સમયમાં પણ પોષણક્ષમ ભાવો જળવાઈ રહેવાની આશા બંધાઈ હતી. દિવાળીના તહેવારો બાદ વેપારીઓ લાભ પાંચમના દિને વેપાર ધંધાના મુહૂર્ત અને સોદાઓની શુભ શરૂઆત કરતા હોય છે. ડાંગરના પાકનો ગઢ ગણાતા ભાલ પંથકના તાલુકા મથક તારાપુરમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજે લાભ પાંચમના દિવસે સવારે શુભ મુહૂર્તમાં એપીએમસીના હોદ્દેદારો, રાઈસ મીલ માલિકો તથા ખંભાત, તારાપુર અને લીંબાસીના અનાજના વેપારીઓની ઉપસ્થિતિમાં ડાંગરની હરાજીની શુભ શરૂઆત કરાઈ હતી.  એક તરફ કમોસમી માવઠાની આગાહી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો પોતાનો ડાંગરનો પાક વેચવા ૧૦૦થી વધુ ટ્રેક્ટરોમાં ડાંગર ભરી માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. 

ગઈકાલ રાતથી જ ખેડૂતો ડાંગર ભરેલા વાહનો લઈને આવતા યાર્ડનું મેદાન વાહનોથી છલકાયું હતું. રવિવાર હોવા છતાંય લાભ પાંચમના કારણે વેપારીઓએ પણ મુહૂર્ત સાચવવા ડાંગરની ખરીદીની શરૂઆત કરી હતી. 

વિવિધ જાતની ડાંગરના 20 કિલોના કેટલા ભાવ બોલાયા

ડાંગર

ભાવ (રૂા.માં)

નવી શ્રીરામ

૩૮૦- ૬૦૦

નવી મોતી

૨૫૦- ૪૦૫

નવી ગુજરાત-૧૭

૩૦૦- ૫૧૧

નવી સોનમ

૪૫૦- ૫૧૨