For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દ.ગુજરાતમાં 40 લાખ ગુણ ડાંગર પાકે છે પણ સરકાર 10 હજાર ગુણ જ ખરીદે છે

મંડળીઓ કે અન્ય એજન્સીને ખરીદીની સત્તા આપવા માંગણી

Updated: Nov 23rd, 2021



Article Content Image

- હાલમાં વેપારીઓ-મંડળીઓ 20 કિલો ડાંગરના રૃા.325 થી 340 આપે છે, સરકારનો ટેકાનો ભાવ રૃા.388

    સુરત

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ 40 લાખ ગુણ ડાંગર પાકે છે. અને સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે. તે પર સૌથી વધુ છે.પરંતુ આ ખરીદી માટે જે સેન્ટરો નક્કી કર્યા છે. ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સરકાર માંડ 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે. આથી ખેડુતોમાંથી અવાજ ઉઠયો છે કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જેમ અન્ય એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓ વધુ હોવાથી ખરીદી માટે સત્તા તેમને આપવામાં આવે તો જ ભવિષ્યમાં મંડળીઓ અને ખેડુતો બન્ને બચશે. નહીંતર ખેડુતો આર્થિક ફટકા પર ફટકા ખાતા રહેશે.

છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડુત આગેવાનો ડાંગર ખરીદવાની સત્તા મંડળીઓ કે એપીએમસીને આપવા માટે રજુઆતો પર રજુઆતો કરવા છતા સરકાર તરફથી કોઇ નિર્ણય લેવાતો નથી. ત્યારે આવતીકાલ બુધવારે રાજયના મુખ્યમંત્રી સુરત આવી રહ્યા છે. ત્યારે ખેડુતોના આ પ્રશ્ન હલ કરે તેવો અવાજ ઉઠયો છે. ખેડુત અગ્રણી જયેશ પટેલ જણાવે છે કે આ વર્ષે ખેડુતોને ડાંગરના પાક પર મોટો ફટકો પડયો છે. અને મંડળીઓ કે વેપારીઓ 20 કિલો ડાંગરના ભાવ રૃા.325 થી 340 વચ્ચે આપી રહ્યા છે. જયારે સરકાર ટેકાના ભાવ રૃ.388 જાહેર કર્યા છે. આથી ખેડુતોને 20 કિલો ડાંગર પર સીધો 40 થી 50 નો ફાયદો થઇ જાય તેમ છે. પરંતુ સરકારે જે સેન્ટરો નક્કી કર્યા છે. ત્યાં એવી હાલત છે કે મહિનો થવા આવ્યો છતા હજુ સુધી સેન્ટર પર ખરીદી શરૃ થઇ નથી. 

આ અવ્યવસ્થાના કારણે ખેડુતોને મોટુ નુકસાન થઇ રહ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં 40 લાખ ગુણ ડાંગર પાકે છે. આથી ટેકાના ભાવ જોતા ખેડુતોને નુકસાન સરભર થઇ શકે તેમ છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સરકારી ગોડાઉનો સિવાય અન્ય એજન્સીઓને પણ પાક ખરીદવાની સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ ગુજરાતમાં પણ સરકારી ગોડાઉન સિવાય અન્ય એજન્સીઓ કે પછી  સહકારી ક્ષેત્રે મંડળીઓ મોટા પ્રમાણમાં છે. અને તેમની પાસે ઇન્ફાસ્ટ્રકચર પણ તૈયાર હોવાથી મંડળીઓને સતા આપી દેવામાં આવે તો જ ખેડુતોનો ઉદ્વાર થઇ શકે તેમ છે.

ડાંગરની 10 લાખ ગુણ તો એકલા પુરુષોત્તમ જીનીંગ મિલમાં જ આવે છે

ખેડુતો આક્રોશ સાથે જણાવે છે કે સુરત જિલ્લામાં જહાંગીરપુરા ખાતે આવેલ પુરૃષોતમ જીનીંગ મિલમાં 10 લાખ ડાંગરની ગુણ આવે છે. પરંતુ આ મંડળીમાં છેલ્લા ચાર વર્ષથી વહીવટદારો મુકાયા છે. અને ખેડુત અગ્રણીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાથી ચૂંટણીઓ થઇ શકતી નહીં હોવાથી સરવાળે ખેડુતોને જ નુકસાન થઇ રહ્યુ છે. આથી આ મંડળીના પ્રશ્નનો હલ કરવા માટેની પણ માંગ ઉઠી છે. 

Gujarat