પિતા-પુત્રો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
ભવ્ય શો-રૃમ અને મસડીઝ ગાડી બતાવી રોકાણકારોને વિશ્વાસમાં લઇ ૯૭ કિલો ચાંદી, રોકડ લઈ ત્રણયે ફરાર
બગોદરા - ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી કાર્યરત અને પ્રતિતિ ગણાતા 'હરી જવેલર્સ'ના માલિકો દ્વારા રોકાણકારો સાથે આશરે ૬.૦૪ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના નાણાં અને ચાંદી લઈને શો-રૃમના માલિક ઘનશ્યામભાઈ સોની અને તેમના બે પુત્રો રાતોરાત ફરાર થઈ ગયા છે.
આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશ ઘનશ્યામભાઈ સોની અને દીપ ઘનશ્યામભાઈ સોનીએ કલીકુંડ વિસ્તારમાં ૩ કરોડના ખર્ચે ભવ્ય શો-રૃમ બનાવી અને મસડીઝ બેન્ઝ જેવી લક્ઝુરિયસ ગાડીઓ રાખી લોકોમાં પોતાની મોટી શાખ ઊભી કરી હતી. ફરિયાદી મોહંમદ સજ્જાદ પઠાણ સહિત ૧૬ જેટલા વ્યક્તિઓને ચાંદીમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી ૯૭ કિલો ચાંદી પેટે ૮૧.૮૫ લાખ રૃપિયાનું રોકાણ કરાવી, નફો કે મુદ્દલ પરત કરવાને બદલે વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો.
જ્યારે રોકાણકારોએ દિવાળી બાદ પોતાની રકમ અને ચાંદીની ડિલિવરી માંગી, ત્યારે ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ જાણવા મળ્યું કે સોની પરિવાર ઘર અને શો-રૃમને તાળા મારી પલાયન થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ ૬,૦૪,૦૩,૮૭૪ રૃપિયાની છેતરપિંડી થઈ છે, જોકે સ્થાનિકોમાં આ આંકડો ૩૦૦થી ૪૦૦ કરોડ સુધી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ધોળકા ટાઉન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પી.આઈ. જે.ડી. ડાંગરવાલાએ વધુ તપાસ હાથ ધરી છે.


