માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ
ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે આગને કાબૂમાં લીધી,કોઈ ઈજા,જાનહાની નહીં
અમદાવાદ,બુધવાર,12 નવેમ્બર,2025
અસલાલી-બારેજા રોડ ઉપર આવેલ થીનરની એક ફેકટરીમા બુધવારે
બપોરે ભીષણ આગ લાગતા દુર દુર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. અમદાવાદ ફાયર
વિભાગના દસ જેટલા વાહનોની મદદથી જવાનોએ મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી.ફેકટરીના
માલિક આગને કારણે બેભાન થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનુ ફાયર કંટ્રોલસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.આગની આ ઘટનામા કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી.
અસલાલી-બારેજા રોડ ઉપર આવેલા સાકાર એસ્ટેટમાં આવેલી થીનરની
એક ફેકટરીમાં બુધવારે બપોરે બે કલાકના સુમારે આગ લાગતા અસલાલી સહિત અન્ય ફાયર
સ્ટેશનથી ફાયર ફાઈટર સાથે ફાયરના જવાનો અને અધિકારીઓને આગ હોલવવા ઘટના સ્થળે
મોકલાયા હતા.ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, સાકાર એસ્ટેટમાં
પ્રિન્સ કેમિકલ નામની ફેકટરીમા અગમ્ય કારણસર આગ લાગી હતી.ફેકટરીમા આગ લાગી એ સમયે
વીસ બેરલ થીનર હોવાનુ ફાયર વિભાગની
પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યુ હતુ.

