Get The App

દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક 1 - image

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમો પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. આનંદનગર વિસ્તારમાં એસ્ટેટ વિભાગનું એક ઓવરલોડ ડમ્પર અકસ્માતનું કારણ બન્યું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ તંત્રની આ કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

આનંદનગર વિસ્તારમાં જ્યારે AMCના એસ્ટેટ વિભાગની ટીમ જપ્ત કરેલ દબાણનો સામાન અને લારીઓ લઈને જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ડમ્પરમાં ક્ષમતા કરતા વધુ લારીઓ અને સામાન ભરેલો હતો. જેનાથી ડમ્પરમાં ઊંચાઈ સુધી ભરેલી લારીઓ રસ્તા પરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણને કારણે ડમ્પરમાંથી લારીઓ અને બેનરો સીધા રોડ પર જ પટકાયા હતા.

આ પણ વાંચો: ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! 'અર્બન હિટ આઈલેન્ડ' જવાબદાર

મોપેડચાલકનો આબાદ બચાવ

ઘટના સમયે ડમ્પરની પાછળ જ એક મોપડચાલક આવી રહ્યો હતો. લારીઓ નીચે પડતાની સાથે જ મોપેડચાલકે સમયસૂચકતા વાપરી બ્રેક લગાવી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જો લારી મોપેડચાલક પર પડી હોત તો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. અકસ્માત બાદ AMCના કર્મચારીઓ રસ્તા પર વેરાયેલી તૂટેલી લારીઓ અને બેનરો સમેટતા નજરે પડ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જાગૃત નાગરિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.

શું AMCના વાહનો માટે ઓવરલોડના નિયમો લાગુ પડતા નથી?

એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી લારીઓ કે સામાનને આવી બેદરકારીને કારણે નુકસાન થાય, તો તેનો ખર્ચ કોણ ભોગવશે? રસ્તા પર જોખમી રીતે સામાન લઈ જઈને નાગરિકોનો જીવ જોખમમાં મૂકવા બદલ જવાબદાર અધિકારી સામે શું પગલાં લેવાશે? લોકો માંગ છે કે એસ્ટેટ વિભાગ પોતાની કામગીરી દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરે જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર ઘટના ન બને.