Get The App

બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો

રોડ,ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાને બદલે સર્કલને વધુ મહત્વ અપાયુ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News

 બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો 1 - image    

  અમદાવાદ,શનિવાર,27 સપ્ટેમબર,2025

અમદાવાદમાં ચાંદખેડા એક એવો વોર્ડ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગોતા અને ચાંદલોડીયા જેવા વોર્ડની હદ સાથે સંકળાયેલ છે. બે વર્ષના સમયમાં ભાજપના ત્રણ કોર્પોરેટરોએ વોર્ડમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં સર્કલ બનાવવા કે ડેવલપ કરવા રુપિયા ૨૨ લાખથી વધુની રકમનો ખર્ચ કર્યો છે. વોર્ડમાં રોડ,ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધા પાછળ ખર્ચ કરવાના બદલે સર્કલ ડેવલપ કરવાની બાબતને વધુ મહત્વ અપાતા આ બાબત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ ચાંદખેડા વોર્ડમાં હાલમા પણ પ્રાથમિક સુવિધાને લઈ સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહયા છે.આ બાબતથી સત્તાધારી પક્ષના હોદ્દેદારો પણ સારી રીતે વાકેફ છે.આ વર્ષના આરંભે ફેબુ્આરી મહીનામાં ચાંદખેડા વોર્ડને એર પોલ્યુશનના દ્રષ્ટિકોણથી  સૌથી વધુ પ્રદૂષિત વોર્ડ જાહેર કરાયો હોવાથી વોર્ડમાં અલગ અલગ ૧૪ રોડ કાચા હોવાથી રુપિયા ૯.૪૮ કરોડના ખર્ચથી બંને તરફ ફુટપાથ બનાવવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ પરત કરી હતી.વોર્ડમાં વધતુ એર પોલ્યુશન ઘટાડવા ફુટપાથના બદલે પાકા રોડ બનાવવા ભાજપના સત્તાધીશોએ સુચન કર્યુ હતુ.આ બાબત જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના સ્તરની શું સ્થિતિ છે તે સુચીત કરે છે.ઉપરાંત શહેરના અનેક વિસ્તાર એવા છે કે જયાં એક વખત સર્કલ બનાવાયા પછી તેને નાનુ કે મોટુ કરવા તોડી પડાતા સર્કલ પાછળ કરાયેલ ખર્ચ માથે પડયાના કિસ્સા પણ છે.

વોર્ડમાં સર્કલ પાછળ કયાં-કેટલો ખર્ચ કરાયો?

જગ્યા            કોર્પોરેટરનુ નામ       ફાળવેલ બજેટ(લાખમાં)

દ્વારકેશ સર્કલ અરુણસિંહ રાજપૂત           ૬.૫૦

મા સર્કલ     અરુણસિંહ રાજપૂત           ૬.૦૦

ન્યુ સી.જી. રોડ  રાકેશ બ્રહ્મભટ્ટ          ૩.૫૦

ન્યુ સી.જી. રોડ  રીટાબેન પટેલ         ૩.૫૦

જે-૧૮ ફલેટ પાસે  રાકેશ બ્રહ્મભટ્ટ        ૩.૫૦

યોગીનગર ચાર રસ્તા રાકેશ બ્રહ્મભટ્ટ    ૧.૭૪

સ્નેહ પ્લાઝા ચાર રસ્તા રીટાબેન પટેલ  ૨.૦૦


Tags :