કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી
Uttarakhand Landslide: બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના માર્ગ પર થયેલા ભૂસ્ખલનને કારણે કપડવંજના 32 યાત્રિકો સહિત 50થી વધુ વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. કેદારનાથના દર્શન કરીને પરત ફરી રહેલા આ યાત્રિકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી રસ્તામાં ફસાયેલા છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેના પરિણામે રસ્તા પર મોટી શીલાઓ અને પથ્થરો ધસી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, કપડવંજથી ગયેલા 32 યાત્રિકોનું એક ગ્રુપ બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના માર્ગ પર ફસાયું છે. આ યાત્રિકોએ કેદારનાથના દર્શન કર્યા બાદ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. ભૂસ્ખલનને કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રસ્તો ખોલવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત વરસાદ અને કાટમાળના મોટા જથ્થાને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ફસાયેલા યાત્રિકોને ભોજન અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જોકે, રસ્તો ક્યારે ખુલશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે યાત્રિકોમાં ચિંતાનો માહોલ છે.