છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ઘોર બેદરકારી સામે આવી છે. કવાંટ ખાતે એક કિલોમીટર લાંબો રસ્તો ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવો બની રહ્યો છે, પરંતુ આડેધડ આયોજનને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વીજપોલ વચ્ચે અને રસ્તાનું કામ ચાલુ!
છોટા ઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના ઈજનેરો અને વી.એસ. શાહ નામની એજન્સી દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, રસ્તાની વચ્ચે નડતરરૂપ વીજપોલ હટાવ્યા વિના જ તેના પર મેટલ નાખવાની અને અન્ય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
બે વિભાગો વચ્ચેના વિખવાદમાં પ્રજા પરેશાન
સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓનો દાવો છે કે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ને વીજપોલ હટાવવા માટે 20 દિવસ પહેલા ઓનલાઈન અરજી કરવામાં આવી છે. જ્યારે MGVCL દ્વારા હજુ સુધી પોલ હટાવવા માટેનું એસ્ટિમેટ આપવામાં આવ્યું નથી, જેના કારણે કામગીરી અટવાઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, જો રસ્તો ખોદતા પહેલા અને મેટલિંગ કરતા પહેલા વીજપોલ હટાવવામાં આવ્યા હોત, તો આજે આ સ્થિતિ ન સર્જાતી.
ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો જોખમ
હાલ નસવાડી ચોકડી અને બોડેલી તરફ જતો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે ધૂળની ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. કવાંટ તાલુકાના 100થી વધુ ગામોના લોકો અહીં ખરીદી માટે આવે છે. જો ચોમાસા પહેલા વીજપોલ હટાવીને ડામર કામ પૂર્ણ કરવામાં નહીં આવે, તો આ થાંભલાઓ રસ્તાની વચ્ચે રહી જવાની અને અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
અધિકારીઓની કાર્યશૈલી પર સવાલ
સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યા વિના જ ઓફિસોમાં બેસીને કામગીરી કરાવે છે, જેનો ભોગ સામાન્ય જનતા બને છે. વેપારીઓએ માંગ કરી છે કે બંને વિભાગો વહેલી તકે વહીવટી સંકલન સાધીને વીજપોલ હટાવે અને રસ્તાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે.








