સાયબર ફ્રોડની આશંકાના પગલે સુરતના 8 પેટ્રોલ પંપ સંચાલકોના એકાઉન્ટ ફ્રીઝ કરાતા રોષ
- કયા કારણોસર એકાઉન્ટ ફ્રીઝ કર્યા તેની તપાસ કરતા બેંકનું માત્ર એક જ રટણ પોલીસની સૂચનાનું પાલન કર્યુ છે
- રોજબરોજના લાખ્ખો રૂપિયાના ટ્રાન્જેકશન અટકયાઃ જેટલા રકમનું ફ્રોડ હોય એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવે એવી સંચાલકોની માંગ
સુરત
ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગકારો બાદ સાયબર ફ્રોડ સાથે ક્નેકશનની આશંકાને પગલે ગુજરાત અને દેશના અન્ય રાજયની પોલીસના આદેશને અનુસરી સુરતના આઠ જેટલા પેટ્રોલપંપ સંચાલકોના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા સંચાલકો દોડતા થઇ ગયા છે. રોજબરોજ લાખ્ખો રૂપિયાનું ટ્રાન્જેકશન થતું હોવાથી એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા સંચાલકોના પેમેન્ટની સાયકલ ડિસ્ટર્બ થવાની સાથે જેટલી રકમનું ફ્રોડ હોય એટલી રકમ જ ફ્રીઝ કરવાની માંગણી કરવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજયમાં રોજબરોજ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ અભિયાનની સાથે પોલીસ સહિતની તપાસ એજન્સીઓ પણ સર્તક થઇ છે અને સાયબર ફ્રોડ થકી રોકડ રકમ જે-જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હોય તે એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સુરત શહેરના એક-બે નહીં પરંતુ આઠ જેટલા પેટ્રોલ પંપ માલિકના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતની ડાયમંડ પેઢી અને જ્વેલરી ઉદ્યોગકારોના પણ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ઉદ્યોગકારો દ્વારા તપાસ કરતા બેંક દ્વારા કોઇ સ્પષ્ટ કારણના બદલે માત્ર ને માત્ર પોલીસની સૂચનાનું પાલન કર્યાનું રટણ કર્યું હતું. તેવી જ રીતે પેટ્રોલ પંપ સંચાલકોએ પણ તપાસ કરતા પોલીસની સૂચનાનું પાલન કર્યાનું બેંકના જવાબદાર અધિકારીઓ રટણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાથી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ ભરાવનારના ડિજીટલ પેમેન્ટની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ રોજબરોજ હજ્જારો લિટર પેટ્રોલ-ડીઝલની ખપત થતી હોવાથી પેમેન્ટ પણ લાખ્ખો રૂપિયામાં થતું હોય છે. જેથી પેટ્રોલ પંપ સંચાલકોના એકાઉન્ટ ફ્રીઝ થતા લાખ્ખો રૂપિયાના ટ્રાન્જેકશન ડિસ્ટર્બ થઇ જતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપ સંચાલકો એવી માંગણી કરી રહ્યા છે કે જેટલા રકમનું સાયબર ફ્રોડ થયું હોય એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવે જેથી રોજબરોજના ટ્રાન્જેકશન ડિસ્ટર્બ થાય નહીં.
સાયબર ફ્રોડમાં એકાઉન્ટ ફ્રીઝ અંગે ચૌક્કસ માર્ગદર્શિકા જાહેર કરવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
ડાયમંડ પેઢી અને ત્યાર બાદ જ્વેલરી ઉદ્યોગકારોના અને હવે પેટ્રોલ પંપ સંચાલકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની વાત કંઇ નવી નથી. અગાઉ તેલંગાણા, કર્ણાટક અને કેરલા સહિતના રાજયની પોલીસે પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. જે તે વખતે ડાયમંડ ઉદ્યોગકારોએ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અન્ય રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંર્પક કરતા એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવ્યા હતા. પરંતુ વારંવાર એકાઉન્ટ ફ્રીઝ કરવાની કનડગત દૂર કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સાયબર ફ્રોડમાં થર્ડ પાર્ટી એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે ચૌક્કસ માર્ગદર્શિકા જાહેર કરવા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે.