વાસદના રેલવે બ્રિજ પર બેકાબૂ કારે બે બાઇકને ટક્કર મારી, શખ્સનું મોત
- અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ
- એક બાઇક ચાલકને ઇજા, મહુધાના હેરંજ ગામનો કાર ચાલક ભાગવા જતા ટોળાએ પકડી પાડયો
આણંદ તાલુકાના રાજુપુરા ગામે રહેતા ભુપેન્દ્રસિંહ પૃથ્વીસિંહ ટાટોડ વાસદ બોરસદ હાઇવે માર્ગ ઉપર વેલ્ડીંગનું કારખાનું ચલાવે છે. ગઈકાલ સાજના સુમારે ભુપેન્દ્રસિંહ કારખાનું બંધ કરીને રાજુપુરા ગામે પોતાના ઘરે જવા નીકળ્યા હતા તેઓ વાસદ તારાપુર હાઇવે માર્ગ ઉપર આવેલા વાસદ રેલવે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે પોતાની કાર પુરઝડપે હંકારે આગળ જઈ રહેલી બે બાઈકો ને જોરદાર ટક્કર મારતા બંને બાઈકના ચાલકો ઉછળીને રોડ ઉપર પટકાયા હતા અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન ભુપેન્દ્રસિંહએ તપાસ કરતા બાઈક ચાલકો રાજુપુરા ગામના જ નરેન્દ્રસિંહ નટવરસિંહ વાઘેલા અને હિંમતસિંહ દોલતસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માતમાં નરેન્દ્રસિંહ વાઘેલાને માથા તેમજ શરીરના અન્ય ભાગો એ ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું જ્યારે હિંમતસિંહ પરમારને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક બ્રિજ નીચે થઈ કાર લઈને ભાગવા જતો હતો. જોકે એકત્ર થયેલા ટોળાએ કારચાલકને ઝડપી પાડયો હતો અને તેના નામ અંગે પૂછતા તે મહુધા તાલુકાના હેરંજ ગામનો પાર્થ કાલીદાસ પટેલ હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે ભુપેન્દ્રસિંહની ફરિયાદના આધારે પાર્ક કાલીદાસ પટેલ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.