Gujarat

૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે

By GS TEAM
31 Dec 20252 mins read
૨૩૦ ઈલેકટ્રિક બસ પૈકી જાન્યુઆરીમાં AMTSની ૨૧ બસ ઓનરોડ દોડતી થઈ જશે

 અમદાવાદ, મંગળવાર,30 ડિસેમ્બર,2025

સ્થાપનાના ૭૬મા વર્ષમાં પ્રવેશેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૨૩૦ ઈલેકટ્રિક બસ માટે ઓફર મંગાવાઈ હતી.આ પૈકી ૧૧ બસ આવી ગઈ છે.૧૦ બસ બે ચાર દિવસમાં આવશે.જાન્યુઆરી-૨૦૨૬માં ૨૧ ઈલેકટ્રિક બસ ઓનરોડ દોડતી થઈ જશે.બસ ૨૦ની સ્પીડ ઉપર ચાલતી હશે ત્યારે નજીકના વાહન માટે એલાર્મ સિસ્ટમ એકટિવ થશે.પ્રતિ કિલોમીટર રુપિયા ૭૯નો ભાવ એએમટીએસ તરફથી ચૂકવવામા આવનાર હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

દેવુ કરીને ઘી પીવુ એવી કહેવત ભલે હોય પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે દેવુ કરીને બસ દોડાવવી એ સૂત્ર વર્ષોથી અમલમાં મુકેલુ છે.કોર્પોરેશન તરફથી એએમટીએસને વીસ વર્ષમાં રુપિયા પાંચ હજાર કરોડથી વધુની રકમ લોન પેટે આપવામા આવેલી છે. રોજ રુપિયા એક કરોડની ખોટ એએમટીએસ કરી રહી છે.આમ છતાં ૨૩૦ ઈલેકટ્રિક બસ લેવા ટેન્ડર કરવામા આવ્યુ હતુ.કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ,૨૨૫  ઈલેકટ્રિક બસ બીઆરટીએસ  સાથે મળીને લેવામા આવી રહી છે.દેશના વિવિધ શહેરોમાં ઈલેકટ્રિક બસની બેટરી ફાટતા આગની બનેલી ઘટનાઓને ધ્યાનમા લઈને એએમટીએસ દ્વારા ઈલેકટ્રિક બસો માટે સાઈબર સિકયુરીટી અને સેફટી ઓડિટ ફરજિયાત બનાવ્યુ છે.બસ ફલીટમાં ફાયર ડિટેકશન અને સપ્રેશન સિસ્ટમ ફરજિયાત કરવામા આવ્યા છે.ગાડીનો દરવાજો બંધ થતાની સાથે બસ આગળ ચાલશે એ પ્રકારની સિસ્ટમ બસમા ગોઠવવામા આવી છે.ઈલેકટ્રિક બસમા અવાજ હોતો નથી. આ કારણથી એલાર્મ સિસ્ટમ એકટિવ કરાઈ છે. તમામ ડિઝલ બસ હટાવાયા પછી સીએનજી બસ દોડતી કરાઈ હતી.હવે જાન્યુઆરી-૨૬થી શહેરના રોડ ઉપર ઈલેકટ્રિક બસો દોડતી થઈ જશે.