રાજકોટ જિલ્લામાં 23,947 લોકોની તપાસમાં 5309ને બીપી-ડાયાબિટીસ
શહેરી ક્ષેત્રના રોગો હવે ગ્રામ્ય વિસ્તારમાં પ્રસર્યા
ઓગસ્ટ મહિનામાં ૧૨૦૧ એનસીડી કેમ્પમાં ૪૬ સ્ત્રીઓ અને ૨૬ પુરૂષોમાં કેન્સરનાં લક્ષણો દેખાયા, હવે ટ્રીટમેન્ટ અને ફોલોઅપની કવાયત
રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગ હસ્તકની નોન-કોમ્યુનિકેબલ ડિસિઝ (એનસીડી) શાખા દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં તમામ ૧૧ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રોની મદદથી બિનસંક્રમીત રોગ (એનસીડી)ના સ્ક્રિનિંગ કેમ્પ યોજવામાં આવ્યા હતા. એક મહિના દરમિયાન યોજવામાં આવેલા ૧૨૦૧ કેમ્પમાં ૩૦ વર્ષથી વધુ વયના ૨૩,૯૪૭ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં આશ્ચર્યજનક રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫૮૯ સ્ત્રીઓ અને ૧૩૫૫ પુરૂષોને ડાયાબિટીશનું નિદાન થયું હતું.
એ જ રીતે ૧૨૬૭ સ્ત્રીઓ અને ૧૦૯૮ પુરૂષોને હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડપ્રેશર આવ્યું હતું. ગંભીર બાબત એ છે કે, ૪૬ સ્ત્રીઓ અને ૨૬ પુરૂષોમાં શંકાસ્પદ કેન્સરના લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં ૨૪ સ્ત્રીઓને મોઢાનું, ૨૧ સ્ત્રીઓને સ્તન કેન્સર અને ૧ સ્ત્રીને સર્વાઈકલ કેન્સરની આશંકાથી પ્રાથમિક તપાસ બાદ હવે ફોલોઅપ અને ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવ્યા છે. એક મહિનાનાં કેમ્પ દરમિયાન ૧૪૮૯ સ્ત્રીઓ અને ૧૦૮૨ પુરૂષોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ૪૨૭ દર્દીઓની વધુ નિદાન-સારવારની જરૂર જણાતા તાલુકા-જિલ્લા કક્ષાએ રીફર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર. ફૂલમાલીએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં દર મંગળવાર અને શુક્રવારે એનસીડી સ્ક્રીનિંગ કેમ્પ ઉપરાંત સમયાંતરે ખાસ સ્ક્રીનિંગ ડ્રાઈવ પણ યોજવામાં આવે છે. ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની તપાસમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને ત્રણ પ્રકારના કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ખાસ કેન્સરની વાત કરીએ તો પુરુષોમાં ફેફસાં, મોં, અન્નનળી અને પેટના કેન્સર તો સ્ત્રીઓમાં મોં ઉપરાંત સ્તન કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે અને ત્યારબાદ સર્વાઇકલ કેન્સર આવે છે. મહિલાઓને સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપીને જાગૃત કરવામાં આવે છે. એનસીડી રોગ પાછળ મુખ્યત્વે તમાકુ અને દારૂનું વ્યસન, બિનઆરોગ્યપ્રદ આહાર, અપૂરતી શારીરિક પ્રવૃત્તિ, વાયુ પ્રદૂષણ જવાબદાર છે, જે સ્થૂળતા, બ્લડ પ્રેશર, બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, તણાવ તરફ દોરી જાય છે. જેમાં ત્વરિત ફેરફાર એ જ સચોટ ઈલાજ છે.
- ભારતમાં ૬૩ ટકા અકાળ મૃત્યુમાં બિન-સંક્રમિત રોગ જવાબદાર
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં આંકડા પ્રમાણે, વિશ્વમાં ૭૪ ટકાથી વધુ અકાળ મૃત્યુમાં હ્ય્દયરોગ, સ્ટ્રોક, કેન્સર, શ્વસન રોગ, ડાયાબિટીશ વગેરે એનસીડી રોગ જવાબદાર હોય છે. જેમાં ભારતમાં પ્રમાણ ૬૩ ટકા હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે. જેથી સરકાર દ્વારા વર્ષ-૨૦૩૦ સુધીમાં એનસીડી કેસોને પ્રાથમિક તબક્કે જ ઓળખીને મૃત્યુદર એક તૃતીયાંશ સુધી ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બિન-સંક્રમિત રોગ |
ટકાવારી |
હ્ય્દય સંબંધિત |
૨૭ % |
શ્વસન રોગ |
૧૧ % |
કેન્સર |
૯ % |
ડાયાબિટીસ |
૩ % |
અન્ય |
૧૩ % |
કુલ કેસ |
૬૩ % |
ઓગસ્ટ મહિનામાં યોજાયેલા ૧૨૦૧ કેમ્પમાં આવેલા કેસ |
|
બિન-સંક્રમિત રોગ |
કેસ |
ડાયાબિટીસ |
૨૯૪૪ |
હાયપરટેન્શન |
૨૩૬૫ |
મોઢાનું કેન્સર |
૫૦ |
સ્તન કેન્સર |
૨૧ |
સર્વાઈકલ કેન્સર |
૧ |
કુલ કેસ |
૫૩૮૧ |