બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી
- ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો
- 140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા ઉપર ન છોડી શકીએ : મોદી
ભાવનગર : ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ૩૪,૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો હતો. સવારે નિશ્ચિત સમયથી અર્ધાથી એકાદ કલાક મોડા પહોંચેલા પ્રધાનમંત્રીએ પ્રથમ ભવ્ય રોડ શો કરી બાદમાં જવાહર મેદાનમાં ઉભા કરાયેલા ડોમમાં ખીચોખીચ મેદનીને ૩૮ મિનિટ સુધી સંબોધી હતી.
કોંગ્રેસની કુનીતિઓના કારણે શિપ બિલ્ડીંગ સિસ્ટમ ઠપ્પ થઈ, વિદેશી જહાજો પર નિર્ભરતા એ આપણી મજબૂરી બની ગઈ
પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં 'આત્મનિર્ભર ભારત' ઉપર ભાર મુક્યો હતો. ભારત આજે વિશ્વબંધુની ભાવનાથી આગળ વધી રહ્યું છે. ભારત માટે દુનિયામાં કોઈ મોટો દુશ્મન નથી. સાચા અર્થમાં બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ મોટો દુશ્મન છે. ભારતના નિર્ભરતાવાળા દુશ્મનને હરાવવો જ પડશે. જેટલી વધુ વિદેશી નિર્ભરતા તેટલી વધું દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે દુનિયાની સૌથી વધુ ૧૪૦ કરોડની વસતીવાળા દેશ ભારતને આત્મનિર્ભર બનવું જ પડશે. બીજા ઉપર નિર્ભર રહેશું તો આત્મસન્માનને પણ ઠેસ પહોંચશે. ૧૪૦ કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા ઉપર ન છોડી શકીએ. દેશના વિકાસના સંકલ્પને બીજાની નિર્ભરતા પર નો છોડી શકીએ. ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાડી શકીએ. એટલે 'સો દુઃખોની એક દવા' આત્મનિર્ભર ભારત. આપણે પડકારોની સામે ટકરાવવું પડશે. બીજા દેશો પરની નિર્ભરતા લગાતાર ઘટાડી દુનિયાની સામે મજબૂતી સાથે ઉભું રહેવું જ પડશે.
આ તકે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસે ભારતના સામર્થને નજર અંદાજ કર્યો એટલા માટે છ-સાત દાયકા પછી પણ ભારત તે સફળતા હંસલ કરી શક્યું નથી, જેનું તે હક્કદાર હતું. પીએમએ તેના બે કારણો ટાંકી કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારે લાંબા સમય સુધી દેશને લાઈસન્સ કોટા રાજમાં ફસાયેલો રાખ્યો, દુનિયાની બજારથી અલગ-થલગ રાખ્યો. જ્યારે ગ્લોબલાઈઝેશનનો સમય આવ્યો ત્યારે માત્ર ઈન્પોર્ટનો જ રસ્તો પકડી લેવાયો. તેમાં પણ હજારો, લાખો કરોડો રૂપિયાની ગોલમાલ કરી. પૂર્વ સરકારોની નીતિઓએ દેશના યુવાનોનું ખૂબ જ નુકશાન કર્યું, આ નીતિઓએ ભારતની સાચી તાકાતને સામે આવવતા રોકી દીધી હતી.
પીએમ મોદીએ તેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, શિપિંગ સેક્ટરમાં ભારત સદીઓથી દુનિયાની એક મોટી તાકાત અને મોટું સેન્ટર હતું. ૫૦ વર્ષ પહેલા દેશના તટિય રાજ્યોમાં બનેલા જહાજો થકી ૪૦ ટકાથી વધુ ઈન્પોર્ટ-એક્સપોર્ટ થતો હતો. પછી કોંગ્રેસની કુનીતિઓના શિકાર શિપિંગ સેક્ટર બન્યો હતો. કોંગ્રેસે ભારતમાં જહાજ નિર્માણ ઉપર ભાર દેવાના બદલે વિદેશી જહાજો ઉપરને ભાડે લેવાનું શરૂ કર્યું. જેના કારણે વિદેશી જહાજો પરની નિર્ભરતા એ આપણી મજબૂરી બની ગઈ અને ૪૦ ટકાના વ્યાપારનો હિસ્સો ઘટીને માત્ર પાંચ ટકા થઈ ગયો. એટલે આપણાં ૯૫ ટકા ટ્રેડ માટે વિદેશી જહાજો ઉપર નિર્ભરતા વધતા દર વર્ષે ભારત ૭૫ બિલિયન ડોલર (૬ લાખ કરોડ રૂપિયા) વિદેશી શિપીંગ કંપનીઓને ભાડાપેટે ચૂકવે છે. જે દેશના સંરક્ષણ બજેટ જેટલું છે. આપણાં રૂપિયાથી વિદેશોમાં લાખો નોકરીઓ બની છે. પહેલાની સરકારોએ આટલા બધા રૂપિયાનો એક નાનો હિસ્સો શિપિંગ ઈન્ડસ્ટ્રીઝ પર લાગવ્યો હોત તો આજે દુનિયા ભારતના જહાજ ઉપયોગ કરતી હોત અને તેના થકી લાખો-કરોડ રૂપિયા મળતા હોય, દેશના કરોડો રૂયા બચી જાત તે અલગ.
આ તકે પીએમએ 'વન નેશન, વન ડોક્યુમેન્ટ, વન નેશન વન પોર્ટ પ્રોસેસ' પ્રક્રિયાના અમલીકરણથી વેપાર અને વાણિજ્ય સરળ બનશે. અંગ્રેજોના સમયના જૂના કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ કાયદા શિપિંગ અને બંદર વહીવટમાં મોટા ફેરફાર લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.