વડોદરા, તા.24 મતદારયાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પ્રક્રિયામાં બીએલઓની મહત્વની કામગીરી છે પરંતુ બીએલઓ માટે ફોર્મની વિગતો અપલોડ કરવા માટે મોબાઇલમાં આજે ઓટીપી મળવામાં મુશ્કેલી થવાની બૂમો ઉઠી હતી. સમયમર્યાદામાં કામ કરવાના દબાણ વચ્ચે ચૂંટણીપંચ દ્વારા જ મુશ્કેલી સર્જાતા બીએલઓ ટેન્શનમાં આવી જાય છે.
ઉલ્લેખનીય છે કે એક બીએલઓ પાસે આશરે અઢીથી ત્રણ હજાર જેટલા ફોર્મ હોય છે. ફોર્મની વિગતો પરત આવે એટલે બીએલઓ દ્વારા પોતાના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી બીએલઓ માટેની એપમાં વિગતો અપલોડ કરવાની હોય છે. આ પ્રક્રિયા શરૃ કરવા માટે એપમાં અંદર જવા માટે એક ઓટીપી મળતો હોય છે. આ ઓટીપી જનરેટ કરતા એપ ઓપન થાય છે અને બાદમાં મતદારોની વિગતો તેમાં ભરી શકાય છે.
આજે સવારથી જ બીએલઓ પોતાના મોબાઇલમાં એપ ઓપન કરવા મથી રહ્યા હતા પરંતુ ઓટીપી મળતો જ ન હતો જેના કારણે બીએલઓ દ્વારા મતદારોની વિગતો અપલોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મહત્વની બાબત એ છે કે એક બીએલઓ માત્ર એક જ મોબાઇલમાં એપ ઇન્સ્ટોલ કરી શકે છે પરંતુ જો સહાયક બીએલઓને પણ આ સુવિદ્યા મળે તો વધારે ઓટીપીથી કામ ઝડપી બને તેવી માગણી પણ બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે.
આજે ચૂંટણી પંચના સર્વરમાં ખામી સર્જાતા બીએલઓને ઓટીપી મળતા જ ન હતા જેના કારણે વિગતો અપલોડ કરવામાં હેરાનગતિ થતી હતી. માંડ એકાદ ફોર્મ ભરાય તો તુરંત જ બહાર આવી જવાતું હતું અને ફરીથી ઓટીપીની મથામણ થતી હતી જેના કારણે સમયમર્યાદામાં કામ કરવા ઇચ્છતા બીએલઓ પોતાનું કામ યોગ્ય સમયમાં પૂર્ણ કરી શકતા ન હતાં. એક તો ઉપરી અધિકારીઓનું દબાણ અને ચૂંટણીપંચની વેબસાઇટના સર્વરમાં ખામીના કારણે બીએલઓની હાલત કફોડી થઇ ગઇ છે.


