Jamnagar News : જામનગરમાં 40 વર્ષીય યુવકની મગજની લોહીની નસ તૂટી જતા ડૉક્ટરે બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુ બાદ પરિવારની સહમતીથી મૃતક યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ વ્યવસ્થા કરીને વિમાન માર્ગે તાત્કાલિક મૃતક યુવકના અંગોને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

જામનગરમાં 40 વર્ષીય યુવકનું બ્રેઈનડેડમાં મૃત્યું થતાં અંગદાન કરાયું
મળતી માહિતી મુજબ, જામનગરમાં રહેતા મુકેશ બાંભણિયા નામના 40 વર્ષના યુવાનની મગજની લોહીની નસ તૂટી હતી અને મગજમાં સોજો આવી ગયો હતો. જી જી. હોસ્પિટલમાં તબીબોએ યુવકની સારવાર માટે અગાથ પ્રયત્નો કર્યા હતા. પરંતુ યુવકને બ્રેઈનડેડ થયું હતું. આ પછી મૃતકના પરિવારને અંગદાન અંગેની સમજણ આપવામાં આવી હતી.

મૃતકના પરિવાર સહમત તથા રાજ્ય સરકારની એનજીઓની એક તબીબી ટુકડી અમદાવાદથી બપોરે જામનગર આવી પહોંચી હતી. જી.જી. હોસ્પિટલમાં બ્રેઈનડેડ યુવાનની એક કિડની અને એક લીવરને ઓપરેશન કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને સાંજે વિમાન માર્ગે આ બંને અંગોને સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
આ માટે પોલીસ દ્વારા જી.જી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ખાસ કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રુટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જી.જી. હોસ્પિટલથી આ બંને અંગો સાથે ખાસ એમ્બ્યુલન્સને એરપોર્ટ સુધી દોડવાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી સુપ્રી.ના માર્ગદર્શનમાં એનેસ્થેશિયા અને ન્યૂરો સર્જરી વિભાગના ડૉક્ટર સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.



