વડોદરા : ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાનિક નાવીન્ય વિષય પર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન
45 શાળાના 100 બાળ વૈજ્ઞાનિકોએ 45 કૃતિઓ પ્રદર્શિત કરી
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2022 બુધવાર
"ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાનિક નાવીન્ય" નાં વિષય ઉપર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત વીર નર્મદ પ્રાથમિક શાળા, તરસાલી ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા આયોજિત ઝૉન ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ, માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં વિકાસ, ઇકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણ સંબંધી ચિંતા અને પરિવહન જેવા વિષય કુલ 6 વિભાગમાં કુલ 45 કૃતિઓ મૂકવામાં આવી હતી.
આ પ્રદર્શનમાં 40 સરકારી પ્રાથમિક શાળાઓ અને 5 ખાનગી શાળાઓએ ભાગ લીધેલ હતો. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય “ટેક્નોલૉજી અને રમકડા” હતો. આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં 100 થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની આંતરસૂજ અને વૈજ્ઞાનિક અભિગમના આધારે વિવિધ કૃતિઓનું નિર્માણ કર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પોતાના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ બાળકો આગામી સમયમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આવા પ્રદર્શન થકી તેઓને પોતાની સ્કિલ બતાવવાનો મોકો મળે છે. NEP 2020 અંતર્ગત પણ વડાપ્રધાન એ પણ સ્કિલના વિકાસ પર વિશેષ ધ્યાન આપેલ છે. આ પ્રદર્શન આવતીકાલે પણ દિવસ દરમિયાન નિહાળી શકાશે.