સુરતના ગાર્ડનમાં એક સંસ્થાનો લોક જાગૃતિ થકી 100 ટકા પ્લાસ્ટિક મુક્ત ગાર્ડન બનાવવા પ્રયાસ
Surat : સુરતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સુરત પાલિકાના પ્રયાસ ટુંકા પડી રહ્યાં છે ત્યારે સુરતના જહાંગીરપુરાના એક ગાર્ડનમાં કાયમ આવતી એક સંસ્થાઓ લોક જાગૃતિ થકી ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમાં માત્ર એક અઠવાડિયામાં 30 ટકા જેટલું પ્લાસ્ટિક અટકાવવામાં સફળતા મળી છે. એક મહિનામાં આ ગાર્ડન 100 ટકા પ્લાસ્ટિક મુક્ત થાય તેવો પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ એક સંસ્થાના પ્રયાસ બાદ શહેરના અન્ય ગાર્ડન તથા અન્ય જાહેર જગ્યાએ પ્લાસ્ટિક અટકાવવાના પ્રયાસ શરૂ કરવા પ્રેરણા મળશે.
સુરત સહિત સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે જોખમ ઊભું થયું છે ત્યારે સુરત પાલિકા દ્વારા સુરતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સમયાંતર અભિયાન ચલાવવામાં આવે છે. પાલિકાની આ કામગીરી દરમિયાન શહેરમાંથી હજારો કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત પણ કરવામા આવે છે છતાં કાયમી ધોરણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થતો નથી. જેના કારણે હવે આ સામાજિક જવાબદારી કેટલીક સંસ્થાઓ ઉપાડી રહી છે.
સુરતના જહાંગીરપુરા ગાર્ડન ખાતેના મોઝેક ગાર્ડનમાં નક્ષત્ર પ્રભાત શાખાના સ્વયં સેવકો દ્વારા ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ અંગે શાખાના નિલેશ પંડ્યા કહે છે, ગાર્ડનમાં અનેક લોકો આવે છે અને તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમાં જાગૃતિનો અભાવ છે તેથી તેઓને જાગૃત કરવા માટે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ સાથે મળીને દર રવિવારે સવારે 6.30 વાગ્યે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ચાર રવિવાર સુધી કરવામાં આવશે. જેમાં પ્લાસ્ટિક પર્યાવરણને કેટલું મોટું નુકશાન કરે છે તેની માહિતી આપવામાં આવે છે. શાખાના સ્વયંસેવકો અને મુલાકાતીઓ પ્લે કાર્ડ અને બેનર લઈને પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
એક રવિવારના જાગૃતિ અભિયાન બાદ 30 ટકા ફેર પડ્યો છે અને અનેક લોકો પ્લાસ્ટિકના બદલે કાપડની થેલી લઈ આવતા નજરે પડે છે. અમે ગાર્ડનમાં આવતા લોકોને પ્લાસ્ટિકના ગેરફાયદા અંગે જણાવીએ છીએ અને હવે લોકો તેનો અમલ કરી રહ્યાં છે ચાર રવિવાર બાદ આ ગાર્ડન 100 ટકા પ્લાસ્ટિક મુક્ત થઈ જશે તેવો દાવો તેઓએ કર્યો છે.
જે રીતે એક ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો પ્રયાસ થયો છે તેવો પ્રયાસ અન્ય જગ્યાએ કરવામાં આવે અને અન્ય સંસ્થાઓ જોડાય તો સુરતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પર અંકુશ લાગી શકે છે.