- 28 વર્ષના કમલ ગામીતની બે કિડની, લિવર અને બે ફેફસાના દાન સાથે સિવિલ હોસ્પિટલમાં 50મું અંગદાન
સુરત :
ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષ દરમિયાન સુરત નવી સિવિલમાં ૫૦મું અંગદાન થયું છે. તાપી જિલ્લાના સોનગઢના ગામીત પરિવારના એકના એક ૨૮ વર્ષના યુવાનની બે કિડની, લીવર અને બે ફેંફસાના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન મળ્યું છે. આદિવાસી પરિવારે સમાજમાં નવી દિશા બતાવી માનવતા મહેકાવી હતી.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના બંદારા ફળિયા ખાતે રહેતા ૨૮ વર્ષના કમલ ગામીત તા.૮મીએ સાંજે બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે વ્યારાના ચિખલદા ગામ ખાતે રીક્ષા અને બાઈકનો અકસ્માત થતા કમલને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. જેથી તેને ૧૦૮ એમ્યુલન્સમાં સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સોમવારે વહેલી સવારે ડોકટરોની ટીમે તેને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારના સભ્યોને ડૉ.કેતન નાયક, ડૉ.નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સીલના ઇકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવતા સમંતિ આપી હતી. જેથી તેની ૨ કિડની, લીવર અને ફેંફસાના અંગદાન થકી ચાર વ્યક્તિના જીવનમાં નવા વર્ષે નવા જીવનનો ઉજાશ પથરાશે. કમલ બાંધકામ (સેન્ટરીંગ)નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર પાર્થ છે. સિવિલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના સિવિલમાં આજે ૫૦મું સફળ અંગદાન થયું હતુ.


