વડોદરામાં આઠ મહિનામાં ૭ બ્રેઇનડેડ દર્દીઓના ઓર્ગન ડોનેશનથી ૩૦ લોકોના જીવનમાં ઉજાસ ફેલાયો
૭ બ્રેઇનડેડ દર્દીઓના કિડની, લિવર અને આંખો ડોનેટ કરાયા : એક બ્રેનડેડ દર્દીઓના આંગોથી ૧૧ લોકોના જીવન નવપલ્લિત થાય છે
વડોદરા,વડોદરામાં આ વર્ષે અકસ્માત અને ગંભીર બીમારીના કારણે બ્રેઇનડેડ થયેલા સાત લોકોના કિડની, લિવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં જ બે દર્દીઓના ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા હતા.એક દાતા પોતાના ૧૧ અંગોનું દાન કરી શકે છે.
૧૩ મી ઓગસ્ટને વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. લિવર, કિડની, હાર્ટ અને આંખોની સમસ્યાથી પીડાતા દર્દીઓને નવું જીવન આપવા માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ગંભીર ઇજાગ્રસ્ત થયેલા અને બીમારીથી બ્રઇેન ડેડ થયેલા દર્દીઓના સગાને ડોક્ટર દ્વારા ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવે છે. સગા તૈયાર થયા પછી દર્દીના ઓર્ગન ડોનેશનની પક્રિયા શરૃ કરવામાં આવે છે.
વડોદરામાં આ વર્ષે અત્યારસુધી સાત દર્દીઓએ ઓર્ગન ડોનેશન કર્યા છે.જેના કારણે અંદાજે ૩૦ થી ૩૫ લોકોના જીવનમાં નવો ઉજાસ પથરાયો છે. જેમાં બે દર્દીઓના ઓર્ગન ડોનેશન સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. જૂન મહિનામાં છાણી વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના સુરેશભાઇ ચૌહાણનું બી.પી. વધી જતા તેઓની તબિયત બગડી હતી અને બેભાન થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૫ મી જૂને તેઓને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દર્દીના લીવરને ગ્રીન કોરિડોર કરી અમદાવાદ લઇ જવામાં આવ્યું હતું. જ્યારે દર્દીની બે આંખો સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી.
રાજપીપળાના નાંદોદ તાલુકાના રૃઢ ગામે રહેતો ૩૬ વર્ષનો સતિષ શાંતિલાલ વસાવા ગત ૧૧ મી જુલાઇએ સાંજે બાઇક લઇને જતો હતો. તે દરમિયાન રૃઢ ગામ નજીક જ બે બાઇક વચ્ચે અકસ્માત થતા સતિષને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.દર્દીના લિવર, કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું.
ઓર્ગન ડોનેશન કરનાર દર્દીના પરિવારને મહિને ૧૧ હજારની સહાય
વડોદરા,
તરસાલી વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષના દિનેશભાઇ માયાવંશી મસાલાની કંપનીમાં નોકરી કરતા હતા. દિનેશભાઇને ઉત્તરાયણના દિવસે બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને સારવાર માટે ડભોઇ રોડ વિસ્તારની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, બીજે દિવસેે ડોક્ટરોની ટીમ દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકનું હાર્ટ, બે કિડની અને એક લિવર ડોનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા મૃતકનો પુત્ર જ્યાં સુધી તે પગભર નહીં થાય ત્યાં સુધી દર મહિને ૧૧ હજાર રૃપિયાની મદદ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
આઇ.એમ.એ. દ્વારા જાગૃતિ અંગે ૮ મહિનામાં ૭ સ્થળે કાર્યક્રમો
વડોદરા,
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડો. મિતેશ શાહે જણાવ્યું છે કે, આઇ.એમ.એ. દ્વારા ઓર્ગન ડોનેશન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે નેશનલ લેવલની એક થીમ તૈયાર કરવામાં આવી છે. આગામી નવેમ્બર મહિનામાંથી તેને લોન્ચ કરવામાં આવશે.જેમાં આઇ.સી.યુ.ના ૧૫૦ ડોક્ટર જોડાશે. વર્ષ - ૨૦૨૧ માં મલ્ટિ ઓર્ગન ડોનેટ વડોદરાની વાઘોડિયા રોડની હોસ્પિટલમાં થયું હતું. જેમાં હાલોલની ૧૯ વર્ષની કિશોરીના પાંચ ઓર્ગન ડોનેટ કરાયા હતા. આઇ.એમ.એ. દ્વારા આ વર્ષે જાગૃતિ અંગે ૭ કાર્યક્રમો થયા હતા. જેમાં ઓર્ગન ડોનેશન માટે લોકો પાસે શપથ લેવડાવવામંા આવ્યા હતા.
વડોદરામાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં દર્દીઓના ૧૭૨ ઓર્ગન ડોનેટ કરાયા
વર્ષ ઓર્ગન ડોનેટ કરનાર દાતાની સંખ્યા
૨૦૨૨ ૧૪
૨૦૨૩ ૧૩
૨૦૨૪ ૧૫
એક બ્રેઇન ડેડ દર્દીના ૧૧ અંગોનું દાન થઇ શકે
વડોદરા,
રેલવે હોસ્પિટલના ડોક્ટર દિપાલી તિવારી દ્વારા ઓર્ગન ડોનેશનની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર, એક દર્દી તેના ૧૧ અંગોનું દાન કરી શકે છે. જેમાં હાર્ટ, ફેફસા, કિડની,લિવર, પેન્ક્રિઆઇસ, હાથ, સ્કીન, વાળ, હાર્ટના વાલ્વ, આંતરડુ અને હાડકાનો સમાવેશ થાય છે.