ત્યક્તા પત્ની-પુત્રીને ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ
પતિ પાસે આવકના પુરતા સાધન હોય તો પત્નીનું ભરણ પોષણ કરવાની ના પાડી શકે નહીં
સુરત,તા.21 જુલાઈ 2020 મંગળવાર
ત્યક્તા પત્ની-પુત્રીએ કોવિડ-19ની પરિસ્થિતિમાં પતિ વિરુધ્ધ કરેલી ભરણ પોષણની માંગને સુરત ફેમીલી કોર્ટના જજ બીનાબેન એસ.ચૌહાણે મંજુર કરીને પત્નીને માસિક રૃ.3 હજાર તથા પુત્રીને 1500 મળીને કુલ રૃ.4500 ભરણ પોષણ તથા અરજી ખર્ચ પેટે રૃ.1500 ચુકવવા હુકમ કર્યો છે.
ડીંડોલી વિસ્તારમાં રહેતા જેમીની બેનના લગ્ન ડભોલી ખાતે રહેતા જેનીશભાઈ સાથે વર્ષ-2011માં થયા હતા.બંનેના દાંપત્ય જીવનથી એક પુત્રીનો જન્મ થયો હતો.જો કે પતિ-સાસરીયા દ્વારા દહેજના મુદ્દે ઘરેલું હિંસા આચરતા હતા.પતિને અન્ય મહીલા સાથે લગ્ન કરવાના હોઈ છૂટાછેડા માટે દબાણ કરીને પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મુકી પિયરમાં મોકલી આપી હતી.
જેથી સગીર પુત્રી સાથે પિયરમાં ઓશિયાળું જીવન જીવતા જૈમીનીબેને પોતાના તથા પુત્રીના ભરણ પોષણ માટે પતિ જૈનીશભાઈ વિરુધ્ધ સુરત ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદાર ત્યક્તા તરફે પ્રીતીબેન જોશીએ જણાવ્યું હતું કે પતિએ પત્ની પુત્રીની ભરણ પોષણની વ્યવસ્થા કરી નથી.પતિની આવકના સાધનો હોવા છતાં પત્ની તે પુત્રીની દેખભાળ કે સારસંભાળ લેવા કે ભરણ પોષણ ચુકવવાની દરકાર કરી નથી.જેની સામે પતિ જૈનિશભાઈ તરફે યોગ્ય બચાવ કરવામાં નિષ્ફળ જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા અરજદાર તરફેની રજૂઆતોને માન્ય રાખી હતી.કોર્ટે ત્યક્તા પત્ની તથા પુત્રીને માસિક કુલ રૃ.4500 ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે પતિની આવકના પુરતા સાધન હોય તો પત્નીને ખાધા ખોરાકી ચુકવવાનો ઈન્કાર કરી શકે નહીં.