વડોદરા: ગુજરાતના તમામ શહેરોની પાર્કિંગ પોલીસીની માહિતી તારીખ 14 પહેલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરવા આદેશ
વડોદરા, તા. 05 સપ્ટેમ્બર 2021 રવિવાર
ગુજરાત ના મુખ્ય શહેરોમાં લોકોની સુવિધા માટે પાર્કિંગની સવલત આપવા પાર્કિંગ પોલીસી બનાવવા તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સુચના આપી છે જેમાં તારીખ 14/ 9 /2021 પહેલા ગુજરાત રાજ્યના ગૃહ સચિવ શહેરી વિકાસ વિભાગના સચિવ અને વાહન વ્યવહાર વિભાગના સચિવને પાર્કિંગ પોલીસી અંગે વિવિધ શહેરો એ કરેલી કામગીરી નો અહેવાલ નું એફિડેવીટ રજુ કરવા જણાવ્યું છે.
ગુજરાતના તમામ શહેરોમાં પાર્કિંગની સુવિધા માટે પાર્કિંગ પોલીસી બનાવવા તારીખ 31 12 2018 ના રોજ શહેરી વિકાસ વિભાગ તરફથી તમામ મહાનગરપાલિકા ને સુચના આપવામાં આવી હતી.
આ આધારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્કિંગ પોલીસી ને મંજૂરી આપી હતી ત્યારબાદ સુરત પેટર્ન પ્રમાણે ગુજરાતના અન્ય શહેરોમાં પાર્કિંગ પોલીસી નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં હજુ કેટલાક મહાનગરો માં ડ્રાફ્ટ પાર્કિંગ પોલીસી તૈયાર કરી છે પરંતુ તેને હજુ આખરી મંજૂરી આપવામાં આવી નથી.
દરમિયાનમાં પાર્કિંગ પોલિસીના સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં તારીખ 1 /9 /2021 ના હુકમ મુજબ તારીખ 14 /9/ 2021 પહેલા ગૃહ વિભાગ શહેરી વિકાસ અને વાહન વ્યવહાર વિભાગના સચિવને એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું.
આ બાબતને ધ્યાનમાં રાખી તારીખ ૩જી ના રોજ રાજ્યના અધિક મુખ્ય સચિવ એ બોલાવેલી વિડીયો કોન્ફરન્સમાં ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને આખરી મંજૂરી મેળવી તાત્કાલિક અસરથી સરકારમાં મોકલી આપવા સુચના આપી હતી.
પાર્કિંગ પોલિસ અંગે સુપ્રીમ કોર્ટ માં ચાલતા કેસમાં ગુજરાત સરકારના ત્રણ વિભાગના સચિવને જવાબ રજૂ કરવા સૂચના આપી છે ત્યારે રાજ્ય સરકાર પાર્કિંગ પોલીસી અંગે એક્શનમાં આવી છે અને ગુજરાતની જે કોર્પોરેશનો હોય તેઓની ડ્રાફ્ટ પાર્કિંગ પોલીસી તૈયાર હોય તેને આખરી મંજૂરી આપવા જણાવ્યું છે.