Gujarat

ખેડૂતોના પૈસા ચાંઉ કરી જનાર મંડળીના મંત્રી પાસેથી રેવન્યુ રાહે વસૂલાતનો આદેશ

By GS TEAM
27 Aug 20252 mins read
ખેડૂતોના પૈસા ચાંઉ કરી જનાર મંડળીના મંત્રી પાસેથી રેવન્યુ રાહે વસૂલાતનો આદેશ

જિલ્લા સહકારી બેંકને લપડાક મારતો લવાદ કોર્ટનો ચુકાદો  : જેડીસીસી બેંક દ્વારા મંડળીના પ્રમુખ અને 10 ડિરેક્ટરો સામે ફરિયાદ થતાં જેલમાં પૂરી દેવાયા હતા, હવે માત્ર મંત્રી જવાબદાર નીકળ્યા  

જૂનાગઢ, : વિસાવદર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કાલસારી સેવા સહકારી મંડળીના પ્રમુખ મધુભાઈ પદમાણી સહિત 10 સામે જિલ્લા સહકારી બેંક દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ રાજકીય ઈશારે થઈ હોવાના આક્ષેપ ઉઠયા હતા. જે ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ હતી તે અંગેનો કેસ લવાદ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા માત્ર મંત્રીને જ દોષિત માની તેમની પાસેથી 8 લાખથી વધુની રકમ વસૂલ કરવા આદેશ કરાયો છે. લવાદ કોર્ટનો ચુકાદો જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ભાજપના આગેવાનો સંચાલિત અમુક મંડળીઓ પર ખોટી પોલીસ ફરિયાદો કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠતા હતા. એવી જ ઘટના વિસાવદરના કાલસારી મંડળીમાં બની હતી. કાલસારી મંડળીના પ્રમુખ ભાજપના અગ્રણી છે પરંતુ તેઓને જીલ્લા બેંકના ભાજપના સંચાલકો સાથે સિદ્ધાંતિક વાંધો ચાલતો હતો. આ સમય દરમિયાન કાલસારી મંડળીના મંત્રી સંજય છગન વઘાસિયાએ બે ખેડૂતો સાથે છેતરપિંડી કરી ડુપ્લીકેટ પહોંચ આપી ધિરાણના પૈસા પોતે ચાંઉ કરી જઈ બેંકમાં જમા કરાવ્યા ન હતા. આ મુદ્દે મંડળીના પ્રમુખ મધુભાઈ પદમાણીએ પોલીસમાં ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે તેની ફરિયાદ ન લીધી. બાદમાં જિલ્લા સહકારી બેંકના આદેશ મુજબ વિસાવદર શાખા ના બેંક મેનેજરે પોલીસમાં મંડળીના પ્રમુખ અને ડિરેક્ટરો પર પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે મંડળીના પ્રમુખ સહિતના 10 જેટલા ડિરેક્ટરોને પકડી જેલમાં મોકલી દીધા હતા. જામીન પર છૂટી ગયા બાદ જે ખેડૂતના પૈસા લઈ ડુપ્લીકેટ પહોંચ આપવામાં આવી હતી તે લાલજીભાઈ લવાભાઈ અમીપરા અને પ્રવીણભાઈ તથા તેના ભાઈ રામજીભાઈ શામજીભાઈ પાટડીયાએ રાજકોટ લવાદ કોર્ટમાં આ અંગેનો દાવો દાખલ કર્યો હતો. લવાદ કોર્ટમાં દાવો ચાલી જતા કોર્ટે મંડળીના મંત્રીને જ જવાબદાર ઠેરવી તેની પાસેથી સ્થાવર કે જંગમ મિલકત થકી રેવન્યુ રાહે રકમ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. 

મંડળીનો મંત્રી સંજય છગન વઘાસિયા ઘણા સમયથી ફરાર થઈ ગયો છે. લવાદ કોર્ટના આદેશ મુજબ લાલજીભાઈ અમીપરાને 3.53 લાખ અને પ્રવીણભાઈ તથા શામજીભાઈને 5.01 લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. લવાદ કોર્ટના આદેશથી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં વધુ એકવાર ગરમાવો આવ્યો છે. કેમ કે, અનેક મંડળીના સંચાલકો સાથે બેંકના ભાજપના આગેવાનને વાંધો પડયો હતો અને તેવા કિસ્સામાં ખોટી ફરિયાદો થઈ હોવાના આક્ષેપ ઉઠતા હતા. હવે લવાદ કોર્ટના આદેશથી સ્પષ્ટ થયું કે મંડળીના મંત્રી જ જવાબદાર છે.