Gujarat

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ

By GS TEAM
30 Apr 20262 mins read
ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ

વડોદરા : વડોદરા સ્થિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)માં કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા ૭૩ શ્રમીકોએ તેમને કાયમી કર્મચારી તરીકેના લાભ આપવામાં આવે તે માટે વર્ષ ૧૯૯૮-૯૯માં દાદ માગી હતી. વર્ષોથી ચાલતી આ કાનુની લડતામાં આખરે આજરોજ ઔદ્યોગિક ન્યાયપંચે ૭૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પૈકી ૪૩ કર્મચારીઓને ૧૯૯૮થી કાયમી કર્મચારી ગણીને તેને મળવા પાત્ર લાભો ચૂકવવાનો આદેશ કર્યો હતો.

વિવાદની શરૃઆત વર્ષ ૧૯૯૮-૯૯માં થઈ હતી, જ્યારે યુનિયન દ્વારા ૭૩ શ્રમિકોના હક માટે ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ દાદ માંગવામાં આવી હતી.કેસની સુનાવણી દરમિયાન યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે,આ કર્મચારીઓ વર્ષોથી હેલ્પર, મેસેન્જર, પ્યુન અને ટાઈપિસ્ટ જેવી કાયમી અને બારમાસી પ્રકારની કામગીરી કરી રહ્યા છે. સંસ્થાએ કાયદાકીય જવાબદારીઓથી બચવા માટે ખોટી કોન્ટ્રાક્ટ પ્રથા ઉભી કરી હતી, જેમાં વચેટિયાઓ માત્ર કાગળ પર જ હતા. વાસ્તવમાં આ શ્રમિકો પર સીધો અંકુશ, કામની સોંપણી અને શિસ્તભંગની કાર્યવાહી ઓએનજીસીના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવતી હતી, જે સાબિત કરે છે કે તેઓ સંસ્થાના જ કર્મચારીઓ છે.

જ્યારે  ઓએનજીસી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ શ્રમિકો અને સંસ્થા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, કારણ કે તેઓ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ હેઠળ લાઈસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં આવ્યા હતા. સંસ્થાએ બચાવ કર્યો હતો કે,આ કર્મચારીઓ ટાવર કમિટીના હેડ દ્વારા ડોસ્સ્ટિક હેલ્પ અથવા મેસેન્જર તરીકે વ્યક્તિગત રીતે રાખવામાં આવ્યા હતા અને તેઓ ઓએનજીસીના નિયમિત મહેકમ પર નહોતા. જોકે, ન્યાયપંચે સંસ્થાની આ દલીલો નકારી કાઢી હતી અને અવલોકન કર્યું હતું કે જે કામ સતત અને કાયમી સ્વરુપનું  હોય, ત્યાં વર્ષો સુધી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરાવવું તે અયોગ્ય  પ્રથા છે.

ન્યાયપંચે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇને કરેલા આદેશમાં  કુલ ૭૩ અરજદારોમાંથી ૪૩ કર્મચારીઓને ઓએનજીસીના નિયમિત અને કાયમી કર્મચારી ગણવા આદેશ કર્યો છે. આ કર્મચારીઓને તેમની નિમણૂક તારીખથી જ કાયમી સ્ટાફ તરીકેના તમામ લાભો, જેમાં પગાર ધોરણ, ભથ્થા અને અન્ય સેવાકીય સવલતોનો સમાવેશ થાય છે, તે પૂરી પાડવાની જવાબદારી સંસ્થાની રહેશે. બીજી તરફ, જે ૧૨ કર્મચારીઓ લાંબા સમયથી ગેરહાજર હતા અથવા કોર્ટ સમક્ષ પોતાની કામગીરીના સચોટ પુરાવા રજૂ કરી શક્યા નહોતા, તેમની દાદ ન્યાયપંચે (કોર્ટે )રદ કરી છે.

આ ઉપરાંત, જે ૯ કર્મચારીઓ કેસની કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા છેતેમને પણ કાયમી ગણી તેમના તમામ નાણાકીય લેણાં વારસદારોને ચૂકવવા આદેશ કરાયો છે.જ્યારે વિવાદ પરત ખેંચનારા કર્મચારી બાબતે કોઇ આદેશ કરાયો નથી.આ આદેશ સાથે હવે ઓએનજીસીએ તમામ ૪૩ કર્મચારીઓને કાયમી ધોરણે સમાવીને તેમના બાકી નીકળતા એરિયર્સ અને અન્ય નાણાકીય લાભોની વહેલી તકે ચૂકવણી કરવી પડશે. ન્યાયપંચના આ ફેંસલાએ પ્રસ્થાપિત કર્યું છે કે વિલંબ છતાં સત્ય અને શ્રમિકોના પાયાના અધિકારોનો વિજય થાય છે.